ધોળાવીરા, તા. 20 : યુનેસ્કો દ્વારા 5000 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના અવશેષો જ્યાં ધરબાયેલા છે તેને વિશ્વ ધરોહર તરીકે જાહેર કરાયા બાદ કુદરતી સંપદાનો ખજાનો ધરાવતા ખડીરના પ્રવાસનને નવી દિશા મળી છે અને અહીંના સફેદ રણે પણ પ્રવાસનના નક્શામાં સ્થાન મેળવ્યું હતું. સરકારી રાહે તો હજુ કોઈ સુવિધા વિકસી નથી, પરંતુ ખાનગી રાહે દિવાળીના તહેવારોમાં લોકો અફાટ સફેદ રણનો નજારો માણી શકે તે માટે તંબુનગરીનું નિર્માણ કરવાની કામગીરી ચાલુ છે.
ધોળાવીરાને વિશ્વ ધરોહર જાહેર કરાઈ, પણ સરકારી રાહે કોઈ સુવિધા હજુ સુધી વિકસાવવામાં આવી નથી. લોકો માત્ર હડપ્પન સંસ્કૃતિની સાઈટ નિહાળી માત્ર ચારથી પાંચ કલાકના રોકાણ બાદ લોકો નીકળી જાય છે. રોડ ટુ હેવનનું બિરુદ મળ્યું છે તેવું અફાટ સફેદ રણ, ખડીરનાં પ્રવાસન સ્થળો લોકો નિહાળી શકે અને રાત્રિ રોકાણ કરી ખડીર બેટને માણી શકે, તે માટે ધોરડો ખાતે તંબુનગરી બનાવનારી ખાનગી કંપની દ્વારા ટેન્ટસિટીનું નિર્માણ કરાયું છે. ધોળાવીરા ખાતે બનેલાં 66 કે.વી. સબ સ્ટેશનની બાજુમાં આવેલી બિનખેતી જમીનમાં હાલ ટેન્ટસિટી બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
વિશાળ કચ્છની સંસ્કૃતિ મુજબનું પ્રવેશદ્વાર સહિત આધુનિક સુવિધાઓથી સજ્જ 150થી વધુ ટેન્ટનું નિર્માણ કરવામાં આવશે. ઘડુલી-સાંતલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અંતર્ગત કચ્છના મોટાં રણને ચીરીને રસ્તો બનાવાયો છે, જે લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, ત્યારે પ્રવાસીઓ હડપ્પન સંસ્કૃતિ નિહાળવા આવે ત્યારે રોડ ટુ હેવન નિહાળવા અચૂક આવે છે. મળતી વિગતો મુજબ સરકારી રહે ટેન્ટસિટી બનાવવાની જમીનનું કામ ચાલુ છે.
સંભવત આવતાં વર્ષે પ્રવાસન નિગમની તંબુનગરી આકાર પામશે. વિશ્વ ધરોહરનું બિરુદ મળ્યા પછી પણ હજુ સુધી બેન્કિંગ, પેટ્રોલપંપ, સતત વીજ પુરવઠા સહિતની સુવિધા હજુ સુધી વિકસાવવામાં આવી નથી. સરકારી રાહે ત્વરીત સુવિધાઓ વિકસાવવામાં આવે તો ઓર વધુ સંખ્યામાં પ્રવાસીઓ આકર્ષાશે.