Aurangzeb Grave: મહારાષ્ટ્રમાં મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબરને લઈને વિવાદ વધી રહ્યો છે. છત્રપતિ સંભાજી નગરના ખુલ્દાબાદમાં મુગલ બાદશાહ ઔરંગઝેબની કબરને લઈને વિવાદ વધી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓની કબરને હટાવવાની હાકલ વચ્ચે, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદે પણ તેમની માંગણીઓ તેજ કરી છે. બંને સંગઠનોએ ચીમકી આપી છે કે જો સરકાર આ મામલે કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો તેઓ અહીં પણ કારસેવા કરશે.
ઔરંગઝેબના શાસન દરમિયાન હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને જુલમનું પ્રતીક છે આ મકબરો
બંને સંગઠનોના નેતાઓ આ મામલે એવું કહ્યું હતું કે તેઓ બંને સાથે મળીને 17 માર્ચે રાજ્ય સરકારને એક મેમોરેન્ડમ આપશે, જેમાં કાયદાકીય માધ્યમથી કબર હટાવવાની માંગ કરવામાં આવશે. જો સરકાર આમ કરવામાં નિષ્ફળ જશે તો રાજ્યવ્યાપી કારસેવા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ મકબરો ઔરંગઝેબના શાસન દરમિયાન સદીઓથી હિન્દુઓ પર થયેલા અત્યાચાર અને જુલમનું પ્રતીક છે અને તેથી તેને તોડી પાડવો જોઈએ.
ઔરંગઝૈબની કબર પર અયોધ્યાની જેમ કારસેવા કરવાની ચીમકી
વિશ્વ હિન્દુ પરિષદના નેતાએ મીડીયાને કહ્યું કે, ‘ઔરંગઝેબનો ઈતિહાસ તેની ક્રૂરતાથી ભરેલો છે. તેણે તેના પિતાને કેદ કર્યા, તેના ભાઈઓની હત્યા કરી અને હિન્દુ મંદિરોનો નાશ કર્યો. અહીં તેની કબર હોવી માત્ર તેના અત્યાચારોની જ યાદ અપાવે છે. મહારાષ્ટ્ર સરકારે તેને તાત્કાલિક અસરથી દૂર કરવી જોઈએ. જો સરકાર આમ કરવામાં નિષ્ફળ જશે તો અમે તેના પર કારસેવા કરીશું, જેમ કે અમે રામ જન્મભૂમિ આંદોલન દરમિયાન કર્યું હતું.’
કબરને હટાવવાની માંગને દેવેન્દ્ર ફડણવીસનું પણ સમર્થન
મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબરને હટાવવાની માંગ ગત સપ્તાહે સરકારના મંત્રી નીતિશ રાણે અને પૂર્વ સાંસદ નવનીત રાણા દ્વારા કરવામાં આવી હતી. નેતાઓની માંગને પગલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ માંગને સમર્થન આપ્યું હતું. જો કે, તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે કાયદાની અંદર રહીને જ કોઈપણ કાર્યવાહી કરવી જોઈએ.
ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી રહેલી આ માંગનો વિરોધ પક્ષના નેતાઓએ વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિપક્ષના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું કે, ‘અહીં ઔરંગઝેબની કબર એ વાતનો પુરાવો છે કે તે અહીં આવ્યો હતો અને અહીં પરાજીત થયો હતો અને માર્યો ગયો હતો. આપણે આવનારી પેઢીઓને કહી શકીએ કે આ તે ભૂમિ છે જ્યાં ભારતના સમ્રાટને પરાજિત કરીને દફનાવવામાં આવ્યો હતો.’