Cricketer Mohammed Shami: ક્રિકેટર મોહમ્મદ શમીની પુત્રીના હોળી રમવા પર ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવી ગુસ્સે ભરાયા છે. તેમણે આ મામલો શરિયત વિરુદ્ધ અને ગેરકાયદે ગણાવ્યો હતો. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, ‘જો નાના બાળકો હોળી રમે, તો તે શરિયતથી બચી શકે છે. પરંતુ જો કોઈ પુખ્ત વયના લોકો હોળી રમે છે, તો તે શરિયાના નિયમો અનુસાર ગેરકાયદે છે.’
‘આ એક ગુનાહિત કૃત્ય છે’
એક ઈન્ટરવ્યુમાં મૌલાના શહાબુદ્દીન રઝવીએ કહ્યું કે, ‘મને માહિતી મળી છે કે ક્રિકેટર મોહમ્મદ શમી સાહેબની દીકરી હોળી રમી રહી છે. આમાં બે શરતો છે. પહેલી શરત એ છે કે તે બાળકી હોય, તે અજ્ઞાની હોય, તે સગીર હોય, તેને શરિયતના નિયમોની ખબર ન હોય, તેથી શરિયત તેના પર કોઈ આદેશ આપતી નથી. જો તે પુખ્ત હોય અને તે શરિયતના નિયમો જાણે છે કે જો કોઈ મુસ્લિમ બિન-મુસ્લિમોના ધાર્મિક તહેવારને અપનાવે છે તો તે ગેરકાયદે કૃત્ય ગણાશે. હોળી એ બિન-મુસ્લિમોનો ધાર્મિક તહેવાર છે. જો કોઈ મુસ્લિમ જાણતા હોવા છતાં આ અપનાવે છે, તો તે ગેરકાયદે હશે અને તેનું કાર્ય શરિયતના દાયરામાં આવશે. આ એક ગુનાહિત કૃત્ય છે.’
મોહમ્મદ શમીને સલાહ આપતા મૌલાના શહાબુદ્દીન રઝવીએ કહ્યું કે, ‘મેં મોહમ્મદ શમી સાહેબને પહેલા જ ચેતવણી આપી દીધી છે અને શરિયત વિશે જણાવ્યું છે. પછી હું તેમને ફરીથી કહેવા માંગુ છું કે પરિવાર પર ધ્યાન આપવું જોઈએ. તેમના બાળકો શું કરી રહ્યા છે? શું નથી કરી રહ્યા? શું તમે શરિયતની જરૂરિયાતોનું ઉલ્લંઘન નથી કરી રહ્યા? શું તમે શરિયતના નિયમોનું પાલન કરો છો કે નહીં? આ મુસ્લિમ માતાપિતાની જવાબદારી છે.’
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફઈની સેમિફાઈનલ મેચ દરમિયાન મોહમ્મદ શમી પાણી પીતા હોય તેવી તસવીરને લઈને વિવાદ સર્જાયો હતો.