બનાસકાંઠા, સોમવાર
MahilaSwayamSahayYojana : ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોને વધુ સવલતો અને સહાય પ્રદાન કરવા સતત કાર્યરત છે. આ જ દિશામાં મહિલા અને બાળ વિકાસ કાર્યાલય, બનાસકાંઠા દ્વારા મહિલાઓ માટે “મહિલા સ્વાવલંબન યોજના” અંતર્ગત સવલતો આપવામાં આવે છે. આ યોજના મહિલાઓને તેમના કૌશલ્ય પર આધારિત સ્વરોજગારી માટે બેંક લોન સહાય પ્રદાન કરે છે.
307 વિવિધ વ્યવસાય માટે લોન સહાય
મહિલાઓએ બ્યુટી પાર્લર, સિલાઈ, અગરબત્તી બનાવવી, મસાલા ઉત્પાદન, ભરતકામ, મોતીનું કામ, દૂધ ઉત્પાદન સહિતના 307 વ્યવસાય માટે આ લોન મેળવી શકાય છે. આ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે રૂ. 2 લાખ સુધીની લોન ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
કોણ છે પાત્ર?
આ યોજનાનો લાભ 18 થી 65 વર્ષની દરેક મહિલા મેળવી શકે છે. સબસિડીની રકમ કેટેગરી અનુસાર છે:
સામાન્ય મહિલાઓ માટે: પ્રોજેક્ટ ખર્ચના 30% અથવા રૂ. 60,000 (જે ઓછું હોય).
અનુસૂચિત જાતિ/જનજાતિ, વિધવા અથવા 40% થી વધુ વિકલાંગ મહિલાઓ માટે: પ્રોજેક્ટ ખર્ચના 35% અથવા રૂ. 70,000 (જે ઓછું હોય).
વિશિષ્ટ શરતો હેઠળ: પ્રોજેક્ટ ખર્ચના 40% અથવા રૂ. 80,000 સુધીની સહાય.
અરજી કરવાની રીત
જિલ્લાની મહિલાઓને આ યોજનાનો લાભ મેળવવા માટે નક્કી કરાયેલ અરજીપત્રકની બે નકલ સાથે જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. આ અરજી જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી, ઝોરાવર પેલેસ, જિલ્લા સેવા સદન-2, ત્રીજા માળ, પાલનપુર ખાતે પહોંચાડવાની રહેશે.
મહત્વનું: આ યોજનાનો ઉદ્દેશ માત્ર મહિલાઓને આર્થિક સહાય પ્રદાન કરવાનો નથી, પરંતુ તેમને સ્વરોજગારી દ્વારા આત્મનિર્ભર બનાવી જીવનમાં આગળ વધવા પ્રોત્સાહિત કરવાનો છે.