અમદાવાદ, ગુરુવાર
PM Kisan Samman Nidhi Yojana : પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોએ હવે લાભ લેવા માટે ફાર્મર રજીસ્ટેશનને લઈને ઇ-કેવાયસી ફરજીયાત કરાઈ છે જેને લઈને ખેડૂતો ઇ-કેવાયસી કરાવવા માટે ગ્રામપંચાયતોમાં પહોંચી રહ્યા છે. જોકે સરકારની વેબસાઈટ બંધ થઈ જતા ખેડૂતોની ઇ-કેવાયસી ન થતા હાલાકી ભોગવી રહ્યા છે. જોકે કેવાયસી કરાવવાની આખરી તારીખ 30 નવેમ્બર હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જેથી ખેડૂતો સરકાર ઇ-કેવાયસી કરાવવાની મુદત વધારવા માંગ કરી રહ્યા છે.
જમીનનું વેરિફિકેશન પૂર્ણ કરવું ફરજિયાત
સરકાર દ્વારા તેની વિવિધ યોજનાઓ લાભ લેવા માટે આધારકાર્ડ અને રેશનકાર્ડને ઓનલાઇન લિંક કરવા માટે ઇ-કેવાયસી ફરજિયાત કરાઈ છે તેની સાથે જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભો મેળવવા માટે કેન્દ્ર સરકારે લાંબા સમયથી ઇ-કેવાયસીની પ્રક્રિયાને ફરજિયાત બનાવી છે. આ સાથે જમીનનું વેરિફિકેશન પૂર્ણ કરવું ફરજિયાત છે. જે લાભાર્થીઓ આ શરતો પૂરી નહીં કરે તેમને યોજનાના આગામી હપ્તાનો લાભ મળશે નહીં મળે જેથી ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ અટકે નહિ તે માટે ઇ-કેવાયસી કરાવવા માટે બનાસકાંઠાના ખેડૂતો પોતાના ગામની ગ્રામપંચાયતમાં પહોંચી રહ્યા છે.
વેબસાઈટનું સર્વર બંધ થઈ જતા ખેડૂતો અટવાયા
સરકાર દ્વારા ખેડૂતો માટે 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોના ખાતામાં કુલ 6000 રૂપિયા ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરે છે. નાના અને સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ મળે છે. જોકે સરકાર દ્વારા હવે આ યોજનામાં લાભ મેળવવા માટે ખેડૂતોને ઇ-કેવાયસી કરાવવાની મુદત 25 નવેમ્બર કરાઈ હતી. જોકે ખેડૂતો અચાનક જ સરકારની ઇ -કેવાયસી માટેની વેબસાઈટનું સર્વર બંધ થઈ જતા ખેડૂતો અટવાયા હતા.
કેવાયસી કરવાની મુદત 15 દિવસ વધારવા માંગ
જેને લઈને સરકારે ઇ-કેવાયસીની મુદત વધારીને 30 નવેમ્બર કરતાં ખેડૂતોને આશા બંધાણી હતી કે તેમની ઇ -કેવાયસી સમય મર્યાદામાં થઈ જશે જોકે ફરીથી વેબસાઈટનું સર્વર બંધ થઈ જતા બનાસકાંઠા જિલ્લાના અનેક ગામો સહિત થરાદના જેતડા ગામના ખેડૂતો અટવાયા છે.સર્વર બંધ થઈ જતા ખેડૂતોને ધરમના ધક્કા થતાં હોવાથી હવે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે કાંતો સરકાર તાત્કાલિક સર્વર શરૂ કરે અથવા કેવાયસી કરવાની મુદત 15 દિવસ વધારે જેથી કોઈ ખેડૂત બાકી ન રહે અને તેમની ઇ-કેવાયસી થઈ જાય અને તેમનો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધીનો લાભ અટકે નહિ.
30 નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવાનુ ફરજિયાત
મહત્વની વાત છે કે આધાર કાર્ડ ની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે અને તેમાં રજીસ્ટ્રેશન નહીં કરનાર ને સરકારી યોજના તેમજ પીએમ કિસાન સન્માન નિધિઓનો હપ્તો પણ નહીં મળે. જેમાં ખેડુતોને 30 નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવાનુ ફરજિયાત કરાયું છે જેમાં ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવા માટે આધાર કાર્ડ, આધારકાર્ડ સાથે લિંક કરાયેલો મોબાઈલ નંબર અને સર્વે નંબર 7/12 તેમજ 8 અ ના પુરાવા રજૂ કરવાના રહેશે.
ફાર્મર કાર્ડથી આ યોજનાઓમાં ખેડૂતોને મળશે લાભ
જે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું હશે. ત્યારે ફાર્મર કાર્ડમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ, લઘુતમ ટેકાના ભાવ અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ જેવી યોજનાઓનો લાભ મળશે. જોકે ખેડૂતો તો કેવાયસી કરાવવા આવી રહ્યા છે પરંતુ સર્વર જ બંધ રહેતા ખેડૂતો અટવાયા છે ,જેતડા ગામમાં અત્યાર સુધી ફક્ત 50 જેટલા ખેડૂતોની જ કેવાયસી થઈ છે અને મોટાભાગના ખેડૂતો બાકી હોવાથી તેમને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.