PM Surya Ghar Yojana: સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ફેબ્રુઆરી 2024ના રોજ ‘PM સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ શરૂ કરી છે. આ યોજના હેઠળ ઘરોમાં સોલાર પેનલ લગાવવા માટે 40 ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે. આ યોજનાનો હેતુ 1 કરોડ પરિવારોને લાભ આપવાનો છે અને સરકારને દર વર્ષે વીજળીના ખર્ચમાં 75,000 કરોડ રૂપિયાની બચત કરવાનો છે. આ યોજનાનો સૌથી મોટો ફાયદો મફત વીજળી છે. સોલાર પેનલથી વિજળીનુ બિલ ઓછું આવશે અથવા બિલ આવશે જ નહીં.
આ સાથે સરકારને વીજળી પર થતા ખર્ચમાં ઘટાડો થવાનો પણ ફાયદો થશે. આ યોજનાનું બીજું મોટું પાસું એ છે કે તે પુનઃપ્રાપ્ય ઊર્જાને પ્રોત્સાહન આપશે. સોલાર પેનલથી વીજળી ઉત્પન્ન કરવાથી કોઈ પ્રદૂષણ થતું નથી, તેથી તે પર્યાવરણ માટે પણ સારું છે. આવો, ચાલો જાણીએ કે આ યોજના કેવી રીતે કામ કરે છે. આ માટે કોણ અરજી કરી શકે છે અને યોજનાનો લાભ લેવા માટે શું શરતો છે?
પ્રશ્ન- પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શું છે?
જવાબ- આ એક સરકારી યોજના છે, જેનો ઉદ્દેશ્ય દેશના લોકોને મફત વીજળી આપવાનો છે. જે લોકો વીજળીના બિલથી પરેશાન છે તેમના માટે આ યોજના ખૂબ જ ફાયદાકારક છે. આનાથી તમારું વીજળીનું બિલ ઓછું કે શૂન્ય થઈ જશે એટલું જ નહીં, પરંતુ તમે પર્યાવરણને બચાવવામાં પણ મદદ કરશો.
પ્રશ્ન- પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજનાના ફાયદા શું છે?
જવાબ- આ યોજનાના ઘણા ફાયદા છે, જેમાં રૂફટોપ સોલાર પ્લાન્ટ પર સબસિડી, ઘરો માટે મફત વીજળી, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને સરકાર માટે વીજળીની કિંમતમાં ઘટાડો સામેલ છે.
પ્રશ્ન- પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ સોલાર પેનલ લગાવવાથી કેટલા પૈસાની બચત થશે?
જવાબ- જો તમે 3 કિલોવોટ ક્ષમતાની સોલાર પેનલ લગાવો છો, તો તમને દર મહિને લગભગ 300 યુનિટ મફત વીજળી મળશે. તેનાથી વાર્ષિક 15,000 રૂપિયાની બચત થઈ શકે છે. જો તમારું વીજળીનું બિલ 1800 થી 1875 રૂપિયાની વચ્ચે આવે છે તો આ સ્કીમ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સ્કીમની સૌથી સારી વાત એ છે કે જો તમે 300 યુનિટથી વધુ વીજળી જનરેટ કરો છો, તો તમે તેને ડિસ્કોમ (વીજળી વિતરણ કંપની)ને પણ વેચી શકો છો.
પ્રશ્ન- સરકાર આ યોજના માટે કેટલી સબસિડી આપે છે?
જવાબ- સરકાર 3 કિલોવોટ ક્ષમતા સુધીની સોલર સિસ્ટમ પર 40 ટકા સબસિડી અને 2 કિલોવોટ સુધીની સિસ્ટમ પર 60 ટકા સબસિડી આપી રહી છે. જો કે, સબસિડી માત્ર મહત્તમ 3 kW ક્ષમતા સુધીની સિસ્ટમ પર જ ઉપલબ્ધ રહેશે. આવી સ્થિતિમાં, જો તમે 1 kW સિસ્ટમ ઇન્સ્ટોલ કરો છો, તો તમને 30 હજાર રૂપિયાની સબસિડી મળશે, જો તમે 2 kW સિસ્ટમ ઇન્સ્ટોલ કરો છો, તો તમને 60 હજાર રૂપિયાની સબસિડી મળશે અને જો તમે 3 kW સિસ્ટમ ઇન્સ્ટોલ કરો છો તો તમને 78 હજાર રૂપિયાની સબસિડી મળશે.
પ્રશ્ન- પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના માટે કોણ અરજી કરી શકે છે?
જવાબ- આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે કેટલીક શરતો પૂરી કરવી પડશે. તમારે ભારતીય નાગરિક હોવું જોઈએ અને તમારું પોતાનું ઘર હોવું જોઈએ. ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે જગ્યા હોવી જોઈએ. તમારી પાસે વીજળીનું કનેક્શન હોવું આવશ્યક છે અને તમે પહેલાં સૌર પેનલ માટે અન્ય કોઈપણ સબસિડીનો લાભ લીધો ન હોવો જોઈએ.
પ્રશ્ન- યોજના માટે કેવી રીતે અરજી કરવી?
જવાબ- આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે https://www.pmsuryaghar.gov.in/consumerLogin વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે . અહીં તમારે તમારા રાજ્ય, વીજળી વિતરણ કંપની, વીજળી ગ્રાહક નંબર, મોબાઇલ નંબર, ઇમેઇલ વગેરે જેવી કેટલીક માહિતી આપવાની રહેશે. અરજી કર્યા પછી તમારે ડિસ્કોમની મંજૂરીની રાહ જોવી પડશે. મંજૂરી મળ્યા પછી, તમે ડિસ્કોમ સાથે નોંધાયેલા કોઈપણ વિક્રેતા પાસેથી પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી શકો છો.
પ્રશ્ન- યોજના હેઠળ સબસિડી કેવી રીતે મેળવવી?
જવાબ- પ્લાન્ટ લગાવ્યા પછી તમારે નેટ મીટર લગાવવું પડશે. નેટ મીટરની સ્થાપના અને ડિસ્કોમ દ્વારા નિરીક્ષણ કર્યા પછી, પોર્ટલ પરથી કમિશનિંગ પ્રમાણપત્ર આપવામાં આવશે. કમિશનિંગ રિપોર્ટ પ્રાપ્ત કર્યા પછી, તમારે તમારા બેંક ખાતાની વિગતો અને પોર્ટલ પર એક રદ કરાયેલ ચેક સબમિટ કરવો પડશે. આ પછી તમને તમારી સબસિડી તમારા બેંક ખાતામાં 30 દિવસની અંદર મળી જશે.
પ્રશ્ન- યોજના માટે કયા દસ્તાવેજોની જરૂર છે?
જવાબ- પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજનાનો લાભ લેવા માટે તમારે કેટલાક દસ્તાવેજો પણ આપવા પડશે. જેમાં ઓળખ કાર્ડ, સરનામાનું પ્રમાણપત્ર, વીજળીનું બિલ અને છતની માલિકીનું પ્રમાણપત્ર સામેલ છે.
પ્રશ્ન- યોજના હેઠળ સોલાર પેનલ લગાવવા માટે કેવા પ્રકારની છત હોવી જોઈએ?
જવાબ- યોજના હેઠળ, સૌર પેનલ કોઈપણ પ્રકારની છત પર સ્થાપિત કરી શકાય છે જે પેનલનું વજન સહન કરવાની ક્ષમતા ધરાવે છે.
પ્રશ્ન- શું ભાડાના મકાનમાં રહેતો પરિવાર આ યોજના માટે અરજી કરી શકે છે?
જવાબ- ભાડા પર રહેતો પરિવાર પણ આ યોજના માટે અરજી કરી શકે છે પરંતુ કેટલીક શરતોનું પાલન કરવું પડશે. વીજ જોડાણ ભાડુઆતના નામે હોવું જોઈએ. વીજળીનું બિલ નિયમિત ચૂકવવું જોઈએ અને મકાનની છતનો ઉપયોગ કરવા માટે મકાનમાલિકની લેખિત પરવાનગી હોવી જોઈએ.
પ્રશ્ન- સોલાર પેનલ લગાવ્યા પછી ઘર બદલશો તો શું થશે?
જવાબ : ઘર બદલવાના કિસ્સામાં, સોલાર પેનલ સરળતાથી દૂર કરી શકાય છે અને બીજી જગ્યાએ ફરીથી જોડી શકાય છે. સોલાર પેનલનું સ્થળાંતર સરળ છે.