Universal Pension Scheme: સરકાર નવી યુનિવર્સલ પેન્શન યોજના પર કામ કરી રહી છે. અસંગઠિત ક્ષેત્ર (Unorganised Sector)સહિત તમામ ભારતીયોને આ પેન્શન યોજનાનો લાભ મળશે. હાલમાં, બાંધકામ સાથે સંકળાયેલા કામદારો, ઘરેલું કર્મચારીઓ અને રોજમદાર જેવા અસંગઠિત ક્ષેત્રના લોકો સરકાર દ્વારા ચલાવવામાં આવતી મોટી બચત યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. એવામાં હવે શ્રમ મંત્રાલયના સૂત્રોના હવાલાથી મળતી જાણકારી અનુસાર આ નવી યુનિવર્સલ પેન્શન યોજનાનો લાભ તમામ પગારદાર કર્મચારીઓ અને વ્યવસાય કરતા લોકોને મળશે.
હાલની પેન્શન યોજનાઓથી કેવી રીતે અલગ છે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ યોજના હાલના એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)થી અલગ છે, કારણ કે નવી યોજનામાં, સરકાર વિવિધ પ્રકારની યોજનાઓને જોડીને એક યુનિવર્સલ યોજના બનાવી શકે છે. આને સ્વૈચ્છિક ધોરણે કોઈપણ નાગરિક માટે સલામત વિકલ્પ તરીકે જોઈ શકાય છે. આથી સૂત્રો અનુસાર યુનિવર્સલ પેન્શન યોજનાના કારણે નેશનલ પેન્શન યોજના પર કોઈ અસે નહિ થાય.
યુનિવર્સલ પેન્શન યોજના
આ યોજના એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) હેઠળ બનાવવામાં આવી રહી છે. તેનો આખરી ડ્રાફ્ટ તૈયાર કર્યા બાદ અલગ-અલગ હિતધારકોના અભિપ્રાયો લેવામાં આવશે.
નવી યોજના સ્વૈચ્છિક હશે, એટલે કે કોઈપણ વ્યક્તિ તેમાં જોડાઈ શકે છે, પછી ભલે તેની પાસે નોકરી હોય કે ન હોય. આ સાથે, અસંગઠિત ક્ષેત્રના લોકો, જેમ કે નાના વેપારીઓ, સ્વરોજગાર ધરાવતા લોકો પણ આ યોજનામાં ભાગ લઈ શકશે.
તેમજ આ યોજનામાં, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન (PM-SYM) અને રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS-Traders) જેવી વર્તમાન પેન્શન યોજનાઓને મર્જ કરી શકાય છે. આ યોજનાઓ નિવૃત્તિ પછી ₹3,000 નું માસિક પેન્શન આપે છે, જેમાં ₹55 થી ₹200 સુધીના યોગદાન છે, અને સરકાર પણ સમાન રકમનું યોગદાન આપે છે.
આ નવા માળખામાં અટલ પેન્શન યોજના (APY)નો સમાવેશ કરવાની શક્યતા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. સરકાર બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ (BoCW) એક્ટ હેઠળ એકત્ર કરાયેલા સેસનો ઉપયોગ બાંધકામ કામદારોના પેન્શનને નાણાં આપવા માટે પણ વિચારી રહી છે.
કોને આ યોજનાનો લાભ મળશે?
આ યોજનાનો લાભ ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના મજૂર, નાના વેપારીઓ, સ્વરોજગાર અને અન્ય નાગરિકોને મળશે. આમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના તે લોકો ભાગ લઈ શકશે, જેઓ 60 વર્ષ પછી પેન્શનનો લાભ મેળવવા ઈચ્છે છે. કેન્દ્ર સરકાર રાજ્યોને તેમની પેન્શન યોજનાઓને આ યોજનામાં મર્જ કરવા માટે પ્રોત્સાહિત પણ કરી શકે છે.
NPSને રિપ્લેસ નહી કરવામાં આવે
અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ નવી યોજના હાલની રાષ્ટ્રીય પેન્શન યોજનાનું સ્થાન લેશે નહીં. દરખાસ્તના દસ્તાવેજો પૂર્ણ થયા બાદ આ યોજના અંગે હિતધારકોની સલાહ લેવામાં આવશે. હાલમાં અસંગઠિત ક્ષેત્ર માટે ઘણી સરકારી પેન્શન યોજનાઓ ચાલી રહી છે. આમાં અટલ પેન્શન યોજના પણ સામેલ છે.
APSમાં, રોકાણકારની ઉંમર 60 વર્ષ થઈ જાય પછી, તેને 1000 થી 5000 રૂપિયાનું માસિક પેન્શન મળે છે. તેમજ શેરી વિક્રેતાઓ, ઘરેલું કામદારો, મજૂરો વગેરેને પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના (PM-SYM) હેઠળ લાભ મળે છે. આ ઉપરાંત, ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના જેવી યોજનાઓ છે, જેમાં રોકાણકારની 60 વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે.