Ashutosh Sharma Record: IPL 2025ની ચોથી મેચમાં દિલ્હી કેપિટલ્સના આશુતોષ શર્માએ પોતાની વિસ્ફોટક ઈનિંગથી સનસનાટી મચાવી દીધી હતી. તેણે લખનઉ સામે 31 બોલમાં અણનમ 66 રન બનાવ્યા હતા. આશુતોષે વિશાખાપટ્ટનમમાં અનેક રેકોર્ડ તોડીને ઈતિહાસ રચી દીધો છે. તે સાતમા કે તેનાથી નીચેના નંબર પર બેટિંગ કરતા સફળ રન ચેઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ મામલે તેણે યુસુફ પઠાણનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
યુસુફ પઠાણનો રેકોર્ડ તોડ્યો
યુસુફ પઠાણે 2009માં સેન્ચુરિયનમાં દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) સામે રાજસ્થાન રોયલ્સ માટે 62 રનની ઈનિંગ રમી હતી. યુસુફ પછી આશુતોષ જ એકમાત્ર ખેલાડી છે જેણે સાતમા અથવા તેનાથી નીચલા ક્રમમાં અડધી સદી ફટકારી છે. દિલ્હીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનઉએ 20 ઓવરમાં 8 વિકેટે 209 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 19.3 ઓવરમાં 9 વિકેટે 211 રન બનાવ્યા.
આશુતોષની 66 રનની ઈનિંગ 2018માં વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ડ્વેન બ્રાવોના 68 રનો બાદ પાંચ ડાઉન પછી બેટિંગ કરનાર ખેલાડી દ્વારા બીજી સૌથી મોટી ઈનિંગ છે . યોગાનુયોગ તે મેચમાં પણ ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) એક વિકેટથી જીત હાંસલ કરી હતી. આશુતોષ સાતમા કે તેનાથી નીચેના ક્રમે સફળ રન ચેઝમાં અણનમ રહીને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે.
નંબર 7 કે તેનાથી નીચેના ક્રમના બેટ્સમેન દ્વારા સફળ રન-ચેઝમાં સૌથી વધુ રન
ડ્વેન બ્રાવો- 68 રન ચેન્નઈ સુપર કિંગ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ – 2018 – મુંબઈ
આશુતોષ શર્મા- 66 રન દિલ્હી કેપિટલ્સ vs લખનઉ સુપર જાયન્ટ્સ- 2025- વિશાખાપટ્ટનમ
આન્દ્રે રસેલ – 66 રન – કોલકાતા નાઈટ રાઈડર્સ vs કિંગ્સ ઈલેવન પંજાબ – 2015 – પૂણે
યુસુફ પઠાણ – 62 રન – રાજસ્થાન રોયલ્સ vs દિલ્હી ડેરડેવિલ્સ – 2009 – સેન્ચુરિયન
પેટ કમિન્સ – 56 રન – કોલકાતા નાઈટ રાઈડર્સ vs મુંબઈ ઈન્ડિયન્સ – 2022 – પૂણે
અક્ષર પટેલનો રેકોર્ડ તોડ્યો
આશુતોષ દિલ્હી કેપિટલ્સ માટે એક IPL મેચમાં સાતમા કે તેનાથી નીચેના ક્રમે બેટિંગ કરતા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. આ મામલે તેણે અક્ષર પટેલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અક્ષરે 2023માં મુંબઈ ઈન્ડિયન્સ સામે 54 રન બનાવ્યા હતા. 2017માં ક્રિસ મોરિસે મુંબઈ સામે 52 રનની અણનમ ઈનિંગ રમી હતી.