Gabba Cricket Ground: ગાબા ક્રિકેટ ગ્રાઉન્ડ ઓસ્ટ્રેલિયાના સૌથી આઈકોનિક સ્ટેડિયમોમાં સામેલ છે. આ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયન ટીમનો રેકોર્ડ દમદાર છે. જોકે, ભારતીય ક્રિકેટ ટીમે આ જ મેદાન પર કાંગારુઓને ધૂળ ચટાડી હતી. હવે આ સ્ટેડિયમને પણ તોડવામાં આવશે. ભલે તેની તારીખ કન્ફર્મ થઈ ગઈ હોય પરંતુ હાલમાં તેને ધ્વસ્ત નહીં કરાશે. ક્વીન્સલેન્ડ સરકારે જણાવ્યું કે, 2032 ઓલિમ્પિક ગેમ્સ બાદ આ સ્ટેડિયમને તોડી પાડવાની યોજના છે. બ્રિસ્બેન પાસે જ 2032 ઓલિમ્પિક ગેમ્સની યજમાની છે.
ગાબા સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયન ટીમનો કિલ્લો છે
બ્રિસ્બેનના ગાબામાં 1931 બાદથી અત્યાર સુધીમાં 67 પુરુષોની ટેસ્ટ અને 2 મહિલા ટેસ્ટ રમાઈ ચૂકી છે. તેને ઓસ્ટ્રેલિયન ટીમનો કિલ્લો કહેવામાં આવે છે, કારણ કે અહીં વિરોધી ટીમોને જીત મેળવવામાં દાયકાઓ લાગી જાય છે. ચોંકાવનારા આંકડા એવા છે કે 1988થી 2021 સુધી ઓસ્ટ્રેલિયન ટીમ અહીં એક પણ ટેસ્ટ મેચ નથી હારી. ઓસ્ટ્રેલિયન ટીમ ઘણીવાર આ મેદાન પર સીઝનની પ્રથમ મેચ રમતી આવી છે. આ વર્ષના અંતમાં આ ઐતિહાસિક સ્ટેડિયમમાં એશેઝ સીરિઝની બીજી ટેસ્ટ મેચ પણ રમાશે.