ICC headquarters shifted to Dubai: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ક્રિકેટની ગ્લોબલ ગવર્નિંગ સંસ્થા છે. જેની સ્થાપના 1909માં ઈમ્પીરિયલ ક્રિકેટ કોન્ફરન્સના રુપમાં લંડનમાં કરવામાં આવી હતી. ક્રિકેટ સાથે જોડાયેલા તમામ મોટા નિર્ણયો પર આઈસીસી જ નિર્ણય લે છે. તેમજ તમામ મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન પણ કરે છે.ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનો ઈતિહાસ ખુબ જુનો છે.1965થી આ ઈન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સના નામથી ઓળખાવવા લાગ્યું છે.
1987માં આનું નામ ઈન્ટરનેશનલ કાઉન્સિલ કરવામાં આવ્યું હતુ. પરંતુ હાલમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનું હેડક્વાર્ટર દુબઈમાં છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે,આ આઈસીસીનું હેડક્વાર્ટર દુબઈમાં કેમ શિફટ કરવામાં આવ્યું છે?
શા માટે ICC હેડક્વાર્ટર દુબઈમાં શિફ્ટ કરવામાં આવ્યું?
તમને જણાવી દઈએ કે, 96 વર્ષ સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલનું હેડક્વાર્ટર લંડનમાં હતુ પરંતુ ત્યારબાદ દુબઈમાં શિફટ કરવામાં આવ્યું હતુ. આની પાછળ અનેક મહત્વના કારણો હતો. જેમાં વધતો ખર્ચો તેમજ જ્યાની ઉણપ મહત્વનો પ્રશ્ન હતો. તો દુબઈમાં ટેક્સ નિયમોમાં રાહત અને એશિયામાં ક્રિકેટની સત્તાના ટ્રાન્સફરને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તે સમયે આઈસીસી માટે તેનું હેડક્વાર્ટર લંડનમાં રાખવું એક મોંઘો સોદો બની ગયો હતો.ત્યારબાદ આઈસીસીના અધ્યક્ષ અહસાન મની અને મુખ્ય કાર્યકારી મૈલ્કમ સ્પીડને આના પર કામ કર્યું હતુ.
આઈસીસીએ જ્યારે આ નિર્ણય લીધો ત્યારે અનેક ક્રિકેટ રમનાર દેશની પાસે ઈંગ્લેન્ડની સાથે ડબલ-ટેક્સેશન એગ્રીમેન્ટ ન હતા. જેનો મતલબ એ હતો કે, ઈંગ્લેન્ડમાં તેમના દ્વારા કરવામાં આવેલા નાણાકીય વ્યવહારો પર તેમને વધુ ટેક્સ ચૂકવવો પડતો હતો. બીજી તરફ, દુબઈ કરમુક્ત દેશ હતો, જે ICC માટે વધુ ફાયદાકારક હતો.
આજે દુબઈમાં ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ
તમને જણાવી દઈએ છીએ કે, હાલમાં ચેમ્પિયન ટ્રોફી રમાય રહી છે. જેનું આયોજન તો પાકિસ્તાનમાં કરવામાં આવ્યું હતુ પરંતુ ભારતીય ક્રિકેટ ટીમે સુરક્ષાના કારણોસર પોતાની તમામ મેચ દુબઈમાં રમી છે. આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 25 વર્ષ બાદ આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં બંને ટીમો સામસામે ટકરાશે. હાલમાં ભારતીય ટીમને જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. તેમજ ભારતીય ટીમે દુબઈની પીચ પર જ પોતાની ચેમ્પિયન ટ્રોફીની તમામ મેચ રમી છે.