ICC Rankings: ચેમ્પિયન્સ ટ્રોફી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે 84 રનની વિજયી ઈનિંગ બાદ ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બુધવારે ICC વનડે બેટ્સમેન રેન્કિંગમાં એક સ્થાનના ફાયદા સાથે ચોથા સ્થાન પર પહોંચી ગયો છે.
કોહલીને જ્યાં ફાયદો થયો છે ત્યાં બીજી તરફ કેપ્ટન રોહિત શર્મા બે સ્થાન નીચે સરકીને પાંચમા સ્થાને પહોંચી ગયો છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાના હેનરિક ક્લાસેન પણ એક સ્થાન આગળ વધીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
શુભમન ગિલ ટોપ પર યથાવત
ભારતના વાઈસ કેપ્ટન અને ઓપનર બેટ્સમેન શુભમન ગિલ ટોપના સ્થાન પર યથાવત છે જ્યારે પાકિસ્તાનના બાબર આઝમ બીજા સ્થાન પર છે. અન્ય ભારતીયોમાં, સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ અનુક્રમે ઓલરાઉન્ડર અને બોલરોના રેન્કિંગમાં સુધારો કરતા આગળ વધ્યા છે.
અક્ષર અને શમીને પણ ફાયદો
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના તાજેતરના ઓલરાઉન્ડર રેન્કિંગમાં અક્ષર પટેલ કરિયરના શ્રેષ્ઠ 194 રેટિંગ પોઈન્ટ સાથે 13મા સ્થાને પહોંચી ગયો છે. આ રેન્કિંગમાં અફઘાનિસ્તાનના અઝમતુલ્લાહ ઉમરઝઈએ પોતાના દેશબંધુ મોહમ્મદ નબીનું સ્થાન લીધું છે.
ઉમરઝઈના કુલ 296 રેટિંગ પોઈન્ટ છે અને તે બે સ્થાન ઉપર આવી ટોચના રેન્કિંગમાં પહોંચી ગયો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધીમાં આઠ વિકેટ લેનાર શમી બોલિંગ રેન્કિંગમાં 609 રેટિંગ પોઈન્ટ સાથે ત્રણ સ્થાન ઉપર આવીને 11મા સ્થાને પહોંચી ગયો છે.
ન્યૂઝીલેન્ડના મેટ હેનરીએ ત્રીજુ સ્થાન હાંસલ કર્યું
બોલરોની લિસ્ટમાં ન્યૂઝીલેન્ડના મેટ હેનરી (649) ત્રણ સ્થાન ઉપર આવીને ત્રીજુ સ્થાન હાંસલ કરી લીધું છે. તે શ્રીલંકાના મહેશ તિક્ષ્ણા બાદ પ્રથમ અને દક્ષિણ આફ્રિકાના કેશવ મહારાજ બીજા સ્થાન પર છે.