Imam Ul Haq Injured: ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન (NZ Vs PAK 3rd ODI) વચ્ચે વનડે સીરિઝની આજે ત્રીજી અને છેલ્લી મેચ રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાન ટીમના ઓપનર બેટ્સમેન ઈમામ ઉલ હક ઈન્જર્ડ થઈ ગયો છે.
એક ડાયરેક્ટ થ્રો મેચ દરમિયાન તેના માથા પર વાગ્યો અને તે ખૂબ જ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો. મેદાનમાં જ તેને દર્દથી પીડાતો જોઈને મેડિકલની ટીમ તેની પાસે પહોંચી ગઈ પરંતુ તે ચાલવાની સ્થિતિમાં પણ નહોતો તેથી મેદાનમાં જ એમ્બ્યુલન્સ બોલાવવી પડી અને તેમાં બેસીને તે મેદાનની બહાર ગયો.
રન લેવા દોડતાં ઈમામને જોરદાર બોલ વાગ્યો
વાસ્તવમાં 265 રનનો પીછો કરતા પાકિસ્તાનની ટીમની ઈનિંગની શરૂઆત અબ્દુલ્લા શફીક અને ઈમામ ઉલ હક કરવા માટે આવ્યા. ત્રીજી ઓવરના ત્રીજા બોલ પર સિંગલ લેવા માટે ઈમામ દોડ્યો પરંતુ આ દરમિયાન તે ઈજાગ્રસ્ત થઈ ગયો. એક થ્રો સીધો ઈમામના હેલમેટમાં આવીને વાગ્યો અને તે મેદાન પર જ ઢળી પડ્યો.
બોલ તેના હેલમેટમાં ફસાઈ ગયો હતો, જેને તરત જ તેણે બહાર કાઢી નાખ્યો પરંતુ ત્યારબાદ તે મેદાનમાં જ દર્દથી પીડાવા લાગ્યો. તાત્કાલિક ફિજિયોની ટીમ મેદાનમાં પહોંચી અને ઈમામની હાલત જોઈને તેને મેદાનમાંથી બહાર લઈ ગઈ.
મેદાનમાં એમ્બ્યુલન્સ બોલાવવી પડી
ઈમામની ઈજા ગંભીર હતી અને તે ચાલવાની સ્થિતિમાં પણ નહોતો તેથી મેદાનમાં જ બગી એમ્બ્યુલન્સ બોલાવવી પડી અને તે એમ્બ્યુલન્સના સહારે મેદાનમાંથી બહાર ગયો. હવે તે આટલી ગંભીર ઈજાના કારણે બીજી વખત બેટિંગ કરવા માટે કદાચ જ આવે. તેના સ્થાને પાકિસ્તાન ટીમે કન્કશન સબ્સ્ટીટ્યૂટ માટે ઉસ્માન ખાનને પસંદ કર્યો.
પાકિસ્તાને પહેલા જ આ સીરિઝ ગુમાવી દીધી છે
T20 ઈન્ટરનેશનલ મેચમાં 1-4થી મળેલી હાર બાદ ન્યૂઝીલેન્ડ સામેની વનડે સીરિઝમાં પાકિસ્તાન ટીમમાં કોઈ ફેરફાર જોવા નથી મળ્યો. વનડે સીરિઝમાં ન્યુઝીલેન્ડ પહેલાથી જ બંને મેચમાં પાકિસ્તાનને હરાવીને સીરિઝ જીતી ચૂક્યું છે. ત્રીજી વનડેમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 264/8 રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાને 22 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 99 રન બનાવ્યા. ભીના આઉટફિલ્ડને કારણે મેચ 42-42 ઓવરની કરી દેવામાં આવી છે.