IPL 2025: IPL 2025 શરુ થવામાં હવે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે. 22 માર્ચે પ્રથમ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં કેકેઆર અને આરસીબી વચ્ચે રમાશે. આ મેચની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે આ વચ્ચે IPLની એક મેચના કારણે પેચ ફસાયો છે, જેના કારણે BCCI ધંધે લાગી ગયું છે.
6 એપ્રિલના રોજ રામનવમીનો તહેવાર
તમને જણાવી દઈએ કે, BCCIએ IPL 2025નું શિડ્યુલ ઘણા સમય પહેલાં જ જાહેર કરી દીધું હતું. એ જ દિવસે નક્કી થઈ ગયું હતું કે, કઈ મેચ કયા દિવસે અને ક્યાં રમાશે. આ જ શિડ્યુલમાં 6 એપ્રિલના રોજ કોલકાતામાં એક મહત્ત્વપૂર્ણ મેચ રમાશે, જે કેકેઆર અને એલએસજી વચ્ચે હશે. હવે ખાસ વાત એ છે કે, એ જ દિવસે એટલે કે 6 એપ્રિલના રોજ રામનવમીનો પણ તહેવાર છે.
CABએ BCCIને આપી સૂચના
આ વચ્ચે હવે સમાચાર મળી રહ્યા છે કે, ક્રિકેટ ઍસોસિએશન ઑફ બંગાળ(CAB)એ BCCIને આ મેચમાં ફેરફાર કરવા માટે કહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોલકાતા પોલીસે CAB અધિકારીઓને કહ્યું છે કે, ‘6 એપ્રિલે રામ નવમીનો મોટો તહેવાર હોવાથી, તે દિવસે મેચ દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા શક્ય નહીં બને.’
અધિકારીઓ વચ્ચે ચર્ચા
રિપોર્ટ પ્રમાણે CABના અધ્યક્ષ સ્નેહાશીષ ગાંગુલીએ આ અંગે પોલીસ અને બાકી અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. આ ચર્ચામાં પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કરી દીધું છે કે, રામનવમીમાં વ્યસ્ત હોવાના કારણે પૂરતી સુરક્ષા વ્યવસ્થા નહીં થઈ શકે. જોકે, ગાંગુલીએ આશા વ્યક્ત કરી છે કે, આ મામલે ટૂંક સમયમાં તસવીર સ્પષ્ટ થઈ જશે.
BCCI ધંધે લાગ્યું
BCCI દ્વારા આ અંગે પુષ્ટિ કરવામાં આવી છે કે, CABએ આ અંગે માહિતી આપી છે અને તમામ શક્યતાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં કંઈક ઉકેલ મળી જશે. તમને જણાવી દઈએ કે, ગત વર્ષે પણ રામ નવમીના દિવસે કોલકાતામાં એક મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો.