IPL 2025: પૂર્વ દિગ્ગજ સ્પિનર અને વર્તમાનમાં કોમેન્ટેટર હરભજન સિંહ પર એક ગંભીર આરોપ લાગ્યો છે. આરોપ પ્રમાણે હરભજને સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ દરમિયાન જોફ્રા આર્ચર વિરુદ્ધ રંગભેદી ટિપ્પણી કરી હતી. આ મેચમાં જોફ્રા આર્ચરના બોલની ખૂબ ધોલાઈ થઈ હતી. આર્ચરે પોતાની ચાર ઓવરમાં એક પણ વિકેટ લીધા વિના 76 રન આપ્યા હતા. બીજી તરફ હવે હરભજન સિંહની કોમેન્ટ્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. તેને લઈને હવે ચાહકો ખૂબ રોષે ભરાયા છે અને વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ મેચમાં સનરાઈઝર્સે રેકોર્ડબ્રેક બેટિંગ કરીને 286 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
ઈનિંગની 18મી ઓવરનો મામલો
હરભજનની ટિપ્પણીનો મામલો હૈદરાબાદની ઈનિંગ્સની 18મી ઓવરનો છે. તે સમયે જોફ્રા આર્ચર બોલિંગ કરી રહ્યો હતો અને ઈશાન કિશન અને હેનરિક ક્લાસેન બેટિંગ કરી રહ્યા હતા. 18મી ઓવરના બીજા અને ત્રીજા બોલ પર ક્લાસેને સતત બાઉન્ડ્રી ફટકારી. આ દરમિયાન હરભજને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું કે, ‘લંડનમાં કાળી ટેક્સીનું મીટર ઝડપથી ભાગે છે અને અહીં આર્ચર સાહેબનું મીટર પણ ઝડપથી ભાગે છે.’ હવે આ મામલે સોશિયલ મીડિયા પર ચાહકો ખૂબ રોષે ભરાયા છે.
આર્ચરે બનાવ્યો શરમજનક રેકોર્ડ
રવિવારે રમાયેલી ડબલ હેડર મેચની પહેલી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ ટીમો આમને-સામને હતી. રાજસ્થાનની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ હૈદરાબાદના બેટ્સમેનોએ ભારે તબાહી મચાવી દીધી. તેમણે દરેક બોલરોની ધોલાઈ કરી નાખી. રાજસ્થાનના સૌથી આદરણીય બોલર જોફ્રા આર્ચર ખાસ કરીને હૈદરાબાદના બેટ્સમેનોના નિશાન પર રહ્યો હતો. આર્ચર IPLના ઇતિહાસમાં સૌથી મોંઘો બોલર સાબિત થયો. આ પહેલા મોહિત શર્માએ ગત વર્ષે ગુજરાત ટાઈટન્સ તરફથી રમતી વખતે દિલ્હી કેપિટલ્સ સામે એક પણ વિકેટ લીધા વિના 73 રન આપ્યા હતા.