IPL 2025: IPL 2025ની બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 44 રનથી હરાવ્યું છે. આજની મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પાવરપ્લેમાં પાવર બેટિંગ કરવા માટે જાણીતી છે. ઓપનર અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે ટીમને જબરદસ્ત શરૂઆત અપાવી હતી અને ત્યાર બાદ ઈશાન કિશને પણ એવી જ તાબડતોબ બેટિંગ ચાલુ રાખી હતી.
હૈદરાબાદે બનાવ્યો IPLના ઇતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો
સનરાઇઝર્સ હૈદરાબાદે ઇતિહાસ રચ્યો છે. તેણે IPLના ઇતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ઈશાન કિશને અણનમ સદી ફટકારી હતી. તેણે 47 બોલમાં 106 રન બનાવ્યા. ઈશાને 11 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. ટ્રેવિસ હેડે 31 બોલમાં 67 રન બનાવ્યા. તેણે 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. નીતિશ રેડ્ડીએ 30 રન અને ક્લાસેનએ 34 રન બનાવ્યા. બીજી તરફ રાજસ્થાન માટે સંજૂ સૈમસને 66 રનોની શાનદાર ઈનિંગ રમી. તેમણે 37 બોલનો સામનો કરતા 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. ધ્રુવ જુરેલે 35 બોલમાં 70 રન બનાવ્યા. તેમણે 5 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. રાજસ્થાન તરફથી તુષાર દેશપાંડેએ 4 ઓવરમાં 44 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. થીક્ષણાએ 2 વિકેટ લીધી હતી. બીજી તરફ જોફ્રા આર્ચર IPLનો સૌથી મોંઘો સ્પેલ ફેંકનારો બોલર બન્યો. તેણે 4 ઓવરમાં 76 રન આપ્યા.
ઈશાન કિશને ફટકારી ધમાકેદાર સદી
હૈદરાબાદે ઈશાનને 11.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને પહેલી જ મેચમાં ઈશાને તેને નફાકારક સોદો સાબિત કરી દીધો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના ઈશાન કિશને ધૂંઆધાર બેટિંગ કરી હતી. છેલ્લા એક વર્ષથી ટીમ ઈન્ડિયાથી દૂર રહેલા ઈશાન કિશને IPL 2025ની પોતાની પહેલી જ મેચમાં ધમાકેદાર સદી ફટકારી હતી. રાજસ્થાન રોયલ્સ સામે માત્ર 45 બોલમાં સદી ફટકારીને ઇશાને કમબેક કર્યું છે. હૈદરાબાદમાં રમાયેલી મેચમાં ઈશાને 19મી ઓવરમાં 2 રન લઈને IPL 2025 અને તેના IPL કારકિર્દીની પ્રથમ સદી ફટકારી. છેલ્લા કેટલાક સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે ખાસ પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહેલા ઈશાન કિશનએ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે પોતાની પહેલી જ મેચમાં બોલરોને ધોઈ નાખ્યા હતા.
સૌથી ઝડપી 14.1 ઓવર્સમાં 200 રન પૂરા કરી RCBની બરાબરી કરી
ટ્રેવીસ હેડે IPL 2024 ની જેમ આ વખતે પણ ઝડપી બેટિંગ ચાલુ રાખી હતી. તેણે 21 બોલમાં અર્ધી સદી પૂરી કરી હતી અને 31 બોલમાં 67 રન ફટકાર્યા હતા. તો કિશને 25 બોલમાં અર્ધી સદી પૂરી કરી હતી. RCBની ટીમે 2016માં RCB vs PBKSની મેચમાં 14.1 ઓવર્સમાં 200 રન પૂરા કર્યા હતા. આ રેકોર્ડની બરાબરી SRHની ટીમે 9 વર્ષ પછી કરી છે અને રાજસ્થાન રોયલ્સ સામે 14.1 ઓવર્સમાં જ 200 રન પૂરા કર્યા હતા.
IPLના ઇતિહાસના 5 સૌથી મોટા ટીમ સ્કોર
1) SRH – 287/3 – રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે – 2024
2) SRH – 286/6 – રાજસ્થાન રોયલ્સ સામે – આજે
3) SRH – 277/3 – મુંબઈ ઈન્ડિયન્સ સામે – 2024
4) KKR – 272/7 – દિલ્હી કેપિટલ્સ સામે – 2024
5) SRH – 266/7 – દિલ્હી કેપિટલ્સ સામે – 2024