IPL 2025: IPL 2025ની 19 નંબરની મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ને 7 વિકેટથી હરાવ્યું હતું. 6 એપ્રિલના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 153 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે તેઓએ 20 બોલ બાકી હતા તે પહેલા જ પ્રાપ્ત કરી લીધો હતો. આ ગુજરાત ટાઇટન્સની સતત ત્રીજીવાર જીત હતી. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ સતત ચોથીવાર મેચ હારી ગયું છે.
આ મેચ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગુજરાત ટાઇટન્સના અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્મા સામે કાર્યવાહી કરી છે. ઈશાંત પર આ મેચ દરમિયાન IPLની આચારસંહિતાના ઉલ્લંઘન કરવા બદલ મેચ ફીના 25 ટકા દંડ ફટકાર્યો છે. ઈશાંતે કલમ 2.2 હેઠળ લેવલ 1 ના ગુનાનો સ્વીકાર કર્યો હતો, તેથી કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર ન પડી.
IPLમાં કલમ 2.2 ક્યારે લગાવવામાં આવે છે?
જોકે, IPLની મીડિયા રિલીઝમાં ઘટના શું હતી તે અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કલમ 2.2 મેચ દરમિયાન ક્રિકેટ સાધનો અથવા કપડાં, ગ્રાઉન્ડના સાધનો અથવા ફિટિંગના દુરુપયોગ પર લગાવવામાં આવે છે. આમાં સામાન્ય ક્રિકેટ પ્રવૃત્તિઓની બહારના કોઈપણ કાર્યનો સમાવેશ થાય છે, જેમ કે વિકેટને લાત મારવી અથવા જાણી જોઈને ઈરાદાપૂર્વક જાહેરાત બોર્ડ, બાઉન્ડ્રી વાડ, ડ્રેસિંગ રૂમના દરવાજા, દર્પણ, બારીઓ વગેરેને નુકસાન પહોંચાડવું વગેરેને નિયમોની વિરુદ્ધ માનવામાં આવે છે. કલમ 2.2 હેઠળ લેવલ 1 ના ઉલ્લંઘન માટે મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા હોય છે.
ગુજરાત ટાઇટન્સે 75 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો
સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ઈશાંત શર્મા ખૂબ મોંઘો સાબિત થયો. ઈશાંતે ચાર ઓવરમાં 53 રન બનાવ્યા હતા અને તેને કોઈ વિકેટ પણ ન મળી. 36 વર્ષીય ઈશાંતે આ IPL સિઝનમાં ત્રણ મેચ રમી છે, જેમાં તેના નામ પર માત્ર એક વિકેટ છે. ઈશાંતને IPL 2025 મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે 75 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો.