IPL 2025 Hardik Pandya: મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા એક મેચ પર પ્રતિબંધ હોવાથી આઈપીએલ 2025ની પ્રથમ મેચ રમી શક્યો નહીં. મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2024માં ત્રણ વખત સ્લો ઓવર રેટથી બોલિંગ કરી હતી. જેના કારણે તેના પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, તેણે ટીમની બીજી મેચમાં પણ આ જ ભૂલનું પુનરાવર્તન કરતાં ફરી એકવાર સજાનો સામનો કરવો પડ્યો છે. એમ્પાયરે તેને અધવચ્ચે જ અટકાવી સજા કરી હતી. બાદમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ કેપ્ટન હાર્દિક પંડ્યા પર લાખોનો દંડ ફટકાર્યો હતો.
શું હતી ઘટના?
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે 20મી ઓવર શરૂ કરવામાં વિલંબ કર્યો હતો. જેના માટે મુંબઈ ઈન્ડિયન્સને સજા આપવામાં આવી હતી કે, તેઓ છેલ્લી ઓવરમાં બોલિંગ કરતી વખતે માત્ર ચાર ખેલાડીઓને 30-યાર્ડની ત્રિજ્યાની બહાર રાખી શકશે. જેના લીધે મુંબઈ ઈન્ડિયન્સને નુકસાન થયુ હતું. આઈપીએલના આયોજકોએ આ બાબતની નોંધ લેતાં કેપ્ટન હાર્દિક પંડ્યા પર 12 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.
નિયમોના ભંગ બદલ દંડ
IPL દ્વારા જારી કરવામાં આવેલ સત્તાવાર મીડિયા રીલીઝમાં કહેવામાં આવ્યું છે કે, “અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ સામે રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સની નવમી મેચમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ સ્લો ઓવર રેટ પર બોલિંગ કરતાં તેને દંડ ફટકારવામાં આવ્યો છે. ટીમો આ સીઝનનો પ્રથમ ગુનો છે. જેથી આઈપીએલના આર્ટિકલ (2) હેઠળ સ્લો ઓવર રેટના કારણે પંડ્યાને રૂ. 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ વખતે બૅન નહીં મૂકાય
ઉલ્લેખનીય છે, આઈપીએલમાં આ વખતે સ્લો ઓવર રેટના ત્રણ વખત પુનવરાવર્તન પર કોઈપણ ખેલાડી પર બૅન નહીં મૂકાય. આ વખતે બીસીસીઆઈએ ડિમેરિટ પોઈન્ટ્સ સિસ્ટમ લાગુ કરી છે. ગત સીઝનમાં સ્લો ઓવર રેટના ગુનામાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન મહત્ત્વની મેચમાંથી બહાર થયો હતો. હાર્દિક પંડ્યાને પણ આ ગુના હેઠળ એક મેચ માટે બૅન કરી દેવાયો હતો.