IPL 2025 Points Table: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL)નું પહેલું અઠવાડિયું પસાર થતાની સાથે જ ટ્રેન્ડ સેટ થવા લાગ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ જીતના માર્ગ પર આગળ વધી રહ્યું છે, તો બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સનો હારનો સિલસિલો યથાવત છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નીગાડી જીતથી હારની પટરી પર ઉતરી ગઈ છે. હવે જ્યારે દરેક ટીમે 2-2 મેચ રમી છે, ત્યારે પ્લેઓફ વિશે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. સ્લોસ્ટાર્ટર મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ શરૂઆતની મેચો હારવા છતાં ઘણી વખત પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે, પરંતુ દર વખતે આ શક્ય નથી. CSK પણ મુંબઈની જેમ સતત બે મેચ હારી ગયું છે. ચાલો જોઈએ કે IPL 2025 માં 11 મેચ પછી પોઈન્ટ ટેબલમાં કોણ ટોચ પર છે અને કોણ પાછળ છે.
દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું
IPL 2025માં રવિવારે બે મેચ રમાઈ હતી. પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. આ દિલ્હીની બીજી જીત અને હૈદરાબાદની સતત બીજી હાર હતી. આ મેચ પછી રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ થઈ. રાજસ્થાને આ મેચ 6 રનથી જીતી લીધી. સતત બે હાર બાદ આ ટુર્નામેન્ટમાં તેની પહેલી જીત છે. ચેન્નાઈ સુપર કિંગ્સનું સમીકરણ બિલકુલ વિપરીત છે. પહેલી મેચ જીત્યા બાદ તે સતત બે મેચ હારી ગઈ છે.
પોઈન્ટ ટેબલમાં RCB ટોપ પર
IPLની 11મી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને દિલ્હી કેપિટલ્સના સૌથી વધુ 4-4 પોઈન્ટ છે. શ્રેષ્ઠ નેટ રનરેટના કારણે RCB પ્રથમ સ્થાન પર અને દિલ્હી બીજા નંબર પર છે. ત્યારબાદ સાત ટીમોના એક સરખા 2-2 પોઈન્ટ છે. આ સાત ટીમોમાં લખનઉ, ગુજરાત, પંજાબ, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને રાજસ્થાનની ટીમો સામેલ છે.
MI પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને
મુંબઈ ઈન્ડિયન્સ એકમાત્ર એવી ટીમ છે જેણે IPL 2025માં હજુ સુધી એક પણ મેચ જીતી નથી. તે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. સ્વાભાવિક છે કે તેનું પોઈન્ટ ટેબલમાં હજુ ખાતુ ખોલવાનું બાકી છે.