IPL Riyan Parag: રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ પર સ્લો ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. રિયાન પરાગ IPL 2025 માં સ્લો ઓવર રેટ માટે દોષિત સાબિત થનાર બીજો કેપ્ટન છે. તેના પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને પણ આ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. રાજસ્થાને CSK સામે 6 રનથી જીત મેળવી, ત્યારબાદ તેના કેપ્ટન રિયાન પરાગ પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો IPL ટીમના કેપ્ટન સ્લો ઓવર રેટ માટે દોષિત સાબિત થાય છે, તો તેણે આ રકમ ચૂકવવી પડે છે.
રિયાન પરાગને ફટકાર્યો દંડ
IPL દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, રિયાન પરાગની ટીમની સ્લો ઓવર રેટ સંબંધિત આ પહેલી ભૂલ હોવાથી, IPL આચાર સંહિતાની કલમ 2.22 હેઠળ તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
MIના કેપ્ટન હાર્દિક પંડ્યાને પણ દંડ ફટકારાયો છે
રિયાન પરાગ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને પણ IPL 2025માં ગુજરાત ટાઈટન્સ સામે રમાયેલી મેચમાં સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. આ મેચમાં હાર્દિકે એક મેચના પ્રતિબંધનો સામનો કર્યા બાદ વાપસી કરી હતી. તે પ્રતિબંધ પણ સ્લો ઓવર રેટના કારણે જ તેના પર લાદવામાં આવ્યો હતો. હકીકતમાં જો કોઈ કેપ્ટન એક સિઝનમાં ત્રણ વખત સ્લો ઓવર રેટનો દોષી સાબિત થાય તો તેના પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે.
રિયાન પરાગની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં તેની કેપ્ટનશીપ અને બેટિંગ બંને સારી રહી છે. જે રીતે તેણે ધોની માટે સ્પિનરોની ઓવર બચાવી, કેપ્ટન તરીકે તેના નિર્ણયની ખૂબ પ્રશંસા થઈ. બેટિંગ કરતા તેણે 28 બોલમાં 37 રનની ઈનિંગ પણ રમી.
રાજસ્થાને 6 રનથી જીત નોંધાવી
મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટે 182 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટાર્ગેટથી 6 રન પાછળ રહી ગઈ. તેણે 20 ઓવરમાં 6 વિકેટે માત્ર 176 રન બનાવ્યા. છેલ્લી ઓવરમાં CSKને જીતવા માટે 19 રનની જરૂર હતી. પરંતુ ફાસ્ટ બોલર સંદીપ શર્માએ તેનો સફળતાપૂર્વક બચાવ કર્યો અને પોતાની ટીમને જીત અપાવી.