પહેલા 1-0થી ટેસ્ટ શ્રેણી અને બાદમાં 2-1થી વન ડે શ્રેણીમા વિજય હાંસલ કરનાર

newzcafe
By newzcafe 2 Min Read

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટી-20માં યુવા ખેલાડીઓને વધુ તક


ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટી-20માં યુવા ખેલાડીઓને વધુ તક


તારોબા (ત્રિનિદાદ), તા.2: પહેલા 1-0થી ટેસ્ટ શ્રેણી અને બાદમાં 2-1થી વન ડે શ્રેણીમા વિજય હાંસલ કરનાર ટીમ ઇન્ડિયા ગુરુવારથી શરૂ થતી પ મેચની ટી-20 શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમને હળવાશથી લેવાની ભૂલ કરશે નહીં. ક્રિકેટના આ સૌથી ટૂંકા અને લોકપ્રિય ફોર્મેટમાં કેરેબિયન ટીમ હંમેશાં ખતરનાક રહી છે અને ભલભલી ટીમને ચિત કરી ચૂકી છે. જો કે વન ડે વર્લ્ડ કપમાં ક્વોલીફાય ન થવાથી વિન્ડિઝ હાલ સતત સંઘર્ષ અને દબાણમાં જોવા મળી રહી છે. ટી-20 શ્રેણીમાં ભારત પાસે વધુ એક કેટલાક યુવા ખેલાડીઓને અજમાવવાનો મોકો રહેશે. તો બીજી તરફ રોવમેન પોવલેના સુકાનીપદ હેઠળની વેસ્ટ ઇન્ડિઝની ટીમ નિકોલસ પૂરન અને સિમરોન હેટમાયર જેવા આ ફોર્મેટના ખતરનાક ખેલાડીઓના સહારે વાપસી કરવા ભરચક પ્રયાસ કરશે. શ્રેણીની પાંચેય મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8-00 વાગ્યાથી શરૂ થશે.ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં 17 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ છે. જેમાં ભારતનો 17ં અને વેસ્ટ ઇન્ડિઝનો 7 મેચમાં વિજય થયો છે. હાર્દિક પંડયાના સુકાનીપદ હેઠળની ભારતની ટી-20 ટીમમાં ઇશાન કિશન અને શુભમન ગિલ જેવા ઇનફોર્મ બેટધર છે. જયારે સૂર્યકુમાર યાદવ વન ડે ફોર્મેટમાં ચાલી આવતી સતત નિષ્ફળતાને ભૂલીને ટી-20માં ફરી ધમાકેદાર દેખાવ કરવા માગશે. તે આ ફોર્મેટનો નંબર વન બેટધર છે. યશસ્વી જયસ્વાલ અને તિલક વર્માને પહેલીવાર ભારતની ટી-20 ટીમમાં તક મળી છે. યશસ્વી ટેસ્ટ ફોર્મેટમાં સફળ સાબિત થયો છે. હવે તેની પાસે ટી-20માં ચમકવાનો મોકો છે. લાંબા સમયે રમી રહેલા અર્શદીપ સિંઘ, આવેશખાન પાસે ખુદને સાબિત કરવાના મોકા રહેશે. વન ડે શ્રેણીમાં બહાર બેસી રહેનાર યજુર્વેન્દ્ર ચહલ પ્રથમ મેચની ઇલેવનનો હિસ્સો હશે. તેની સાથે સ્પિન મોરચે કુલદીપ યાદવ હશે. આથી રવિ બિશ્નોઇએ ઇંતઝાર કરવો પડશે. ઉમરાન મલિક અને મુકેશકુમાર ભારતના મુખ્ય ઝડપી બોલરની ભૂમિકામાં હશે. સુકાની હાર્દિક પંડયાએ ઓલરાઉન્ડર અને ફિનિશર તરીકે આગળ આવીને દેખાવ કરવો પડશે. ટી-20 ટીમમાં સંજુ સેમસનનો પણ સમાવેશ કરાયો છે. તે મીડલઓર્ડરમાં જોવા મળી શકે છે. 

Share This Article