Rishabh Pant’s sister’s Wedding: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર ઋષભ પંતના ઘરે ટૂંક સમયમાં લગ્નની શરણાઈ વાગશે. પંતની બહેન સાક્ષી પંતના લગ્ન થવા જઈ રહ્યા છે. આ ખાસ પ્રસંગે ટીમ ઈન્ડિયાના તમામ દિગ્ગજો હાજરી આપે તેવી અપેક્ષા છે. લગ્નની વિધિ મંગળવાર અને બુધવારે મસૂરીના એક સીક્રેટ લોકેશન પર થશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની લગ્નમાં સામેલ થઈ શકે છે.
ગત વર્ષે કરી હતી સગાઈ
સાક્ષી પંતના લગ્ન બિઝનેસમેન અંકિત ચૌધરી સાથે થઈ રહ્યા છે. લગભગ નવ વર્ષ ડેટિંગ કર્યા બાદ બંનેએ ગત વર્ષે સગાઈ કરી હતી. બંનેએ ગત વર્ષે 5 જાન્યુઆરીએ સગાઈ કરી હતી. જાન્યુઆરી 2024માં થયેલા સગાઈ સમારોહમાં પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની સામેલ થયો હતો. યુકેમાં અભ્યાસ કરતી સાક્ષી સોશિયલ મીડિયા પર તેના ટ્રાવેલ ફોટા અને ટ્રેન્ડી આઉટફિટ્સના કારણે ખૂબ જ લોકપ્રિય છે.
ઋષભ પંતનો 2022માં ગંભીર અકસ્માત થયો હતો
ઋષભ પંત એ ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા ટીમનો હિસ્સો હતો જેમાં ભારતે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ત્રીજો ખિતાબ જીત્યો હતો. વિકેટકીપર-બેટ્સમેન ડિસેમ્બર 2022માં એક ગંભીર કાર અકસ્માતમાં બચી ગયો હતો. અનેક સર્જરીઓ અને લાંબા રિહેબમાંથી પસાર થઈને તે એક વર્ષથી વધુ સમય બાદ ક્રિકેટમાં વાપસી કરી અને ભારતને T20 વર્લ્ડ કપ જીતાડવામાં મદદ કરી.
IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી
ટેસ્ટ ક્રિકેટમાં વાપસી પર તેણે સપ્ટેમ્બર 2024માં બાંગ્લાદેશ સામે મેચ વિનર સદી ફટકારી હતી. તેણે ભારતીય વિકેટકીપર દ્વારા સૌથી વધુ ટેસ્ટ સદીઓના ધોનીના રેકોર્ડની બરાબરી કરી. ગત નવેમ્બરમાં જેદ્દાહમાં યોજાયેલા IPL 2025ના મેગા ઓક્શનમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) દ્વારા 27 કરોડ રૂપિયામાં ખરીદ્યા બાદ ઋષભ પંત IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે.