Rohit Sharma: ક્રિકેટ રસિકોનો પ્રેમ અને ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સને ધ્યાનમાં લેતાં મુંબઈ ક્રિકેટ એસોસિએશને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માના નામે સ્ટેન્ડ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતના પૂર્વ મહાન ક્રિકેટર્સના નામ પર સ્ટેન્ડ છે. જેમાં સચિન તેંદુલકર, સુનીલ ગાવસ્કર બાદ હવે રોહિત શર્માનું નામ જોડવા ભલામણ કરવામાં આવી છે. આ નિર્ણય ગઈકાલે મંગળવારે યોજાયેલી એસોસિએશનની એજીએમ બેઠકમાં લેવામાં આવ્યો હતો.
અન્ય બે ક્રિકેટરના નામે પણ બનાવાશે સ્ટેન્ડ
ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત સ્કિપર અજીત વાડેકર અને પૂર્વ એડમિનિસ્ટ્રેટર શરદ પવારને પણ આ સન્માનથી બિરદાવવામાં આવશે. તેમના નામે પણ સ્ટેન્ડ મૂકવામાં આવશે. જેમાં ગ્રાન્ડ સ્ટેન્ડ લેવલ 3ને શરદ પવારનું નામ આપવામાં આવશે. જ્યારે દિવેચા પેવેલિયન લેવલ -3ને રોહિત શર્મા નામથી ઓળખવામાં આવશે. ગ્રાન્ડ સ્ટેન્ડ લેવલ 4ને અજીત વાડેકરનું નામ આપવામાં આવશે.
રમતમાં સક્રિય ખેલાડીના નામે પેવેલિયન
ભારતીય ટીમમાં સક્રિય હોય તેવા ખૂબ ઓછા ખેલાડીના નામે સ્ટેડિયમમાં પેવેલિયન કે સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હશે. અગાઉ વિરાટ કોહલી, અને એમએસ ધોની સહિતના ખેલાડીઓનું નામ સ્ટેન્ડ કે પેવેલિયનને આપવામાં આવ્યું હશે. ટૂંકસમયમાં મુંબઈ ક્રિકેટ એસોસિએશન રોહિત શર્મા સહિત અન્ય બે સ્ટેન્ડના નામકરણ માટે પ્રોગ્રામનું આયોજન કરશે.
શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાની દમદાર જીત
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ છેલ્લા કેટલાક વર્ષોમાં શાનદાર જીત મેળવી છે. તેની લીડરશીપ હેઠળ ભારતનો આઈસીસી ટ્રોફીનો 11 વર્ષનો વનવાસ પૂરો થયો હતો. 2024માં ટી20 વર્લ્ડ કપ અને 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી હાંસલ કરાવી હતી. 2023માં ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા ફાઈનલ સુધી પહોંચી હતી. બોરીવલીમાં જન્મેલો શર્માની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ પણ આઈપીએલમાં અનેક વખત ટ્રોફી જીતી શકી છે.
વાડેકરે 1970ના કાયદામાં ભારતીય ક્રિકેટમાં ક્રાંતિ લાવી
અજીત વાડેકરે 1970ના દાયકામાં ભારતીય ક્રિકેટ ક્ષેત્રે ક્રાંતિ લાવી હતી. વાડેકરે ટેસ્ટ સીરિઝમાં વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 1971માં જીત અપાવી હતી. આ સફળતાથી ભારતીય ટીમનો વૈશ્વિક સ્તરે ડંકો વાગ્યો હતો. તેના મહત્ત્વના યોગદાનને તે સમયે ખાસ બિરૂદ મળ્યુ ન હતું. તેના વારસાની નોંધ લેતાં આ સ્ટેન્ડ બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઈ ક્રિકેટનું આધુનિકીરણ કર્યું પાવરે
ગ્રાન્ડ સ્ટેન્ડ લેવલ 3 હવે શરદ પવારનું નામ ધરાવશે, જે એક મહાન રાજકીય વ્યક્તિ અને MCA, BCCI અને ICCના ભૂતપૂર્વ પ્રમુખ હતા. ક્રિકેટ વર્તુળોમાં, પવારને માત્ર એક પ્રશાસક તરીકે જ નહીં પરંતુ એક માર્ગદર્શક તરીકે જોવામાં આવે છે જેમના નેતૃત્વથી મુંબઈ ક્રિકેટનું આધુનિકીકરણ થયું. MCA પ્રમુખ તરીકેનો તેમનો કાર્યકાળ 2001 થી 2013 અને ફરીથી 2016 સુધી રહ્યો હતો. તેમના નેતૃત્વ હેઠળ, વાનખેડે સ્ટેડિયમનું રિનોવેશન કરવામાં આવ્યું અને 2011 વર્લ્ડ કપની ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું. તેમના વ્યૂહાત્મક અને નાણાકીય હસ્તક્ષેપોએ સ્થાનિક ક્રિકેટ અને રાષ્ટ્રીય સ્તરે કાયમી છાપ મૂકી છે.