Shardul Thakur in IPL 2025: IPL 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)નો બેટિંગ ઓર્ડર સૌથી ખતરનાક માનવામાં આવે છે, પરંતુ લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે આ બેટિંગ ઓર્ડરને તોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને બાકીની કામગીરી બાદમાં નિકોલસ પૂરન અને મિશેલ માર્શે કરી હતી. આ રીતે, લખનઉની ટીમે 27 માર્ચે હૈદરાબાદમાં આ ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી.
શાર્દુલ ઠાકુર બની ગયો છે પર્પલ કેપહોલ્ડર
‘લોર્ડ’ તરીકે ઓળખાતા શાર્દુલ ઠાકુરે, SRHની બેટિંગ લાઇનઅપના બે સૌથી ખતરનાક બેટ્સમેન, અભિષેક શર્મા (6) અને ઇશાન કિશન (0)ને સિંગલ ફિગરમાં આઉટ કરી દીધા. તેણે 34 રનમાં કુલ 4 વિકેટ લીધી હતી. જે શાર્દુલ ઠાકુરનું IPLમાં બોલિંગમાં બેસ્ટ પરફોર્મન્સ છે. આ સમયગાળા દરમિયાન શાર્દુલે IPLમાં પોતાની વિકેટની સેન્ચુરી (100 વિકેટ) પણ પૂરી કરી હતી. 33 વર્ષીય શાર્દુલ હવે IPLમાં પર્પલ કેપહોલ્ડર (6 વિકેટ) પણ બની ગયો છે.
T20 મેચમાં લખનઉએ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવીને ખાતું ખોલ્યું
નિકોલસ પુરને આ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સિઝનની સૌથી ઝડપી ફિફટી ફટકારી હતી. તેણે 18 બોલમાં સિક્સર વડે પોતાની ફિફટી પૂરી કરી હતી. બાદમાં, તેણે 27 માર્ચે બીજી વિકેટ માટે મિશેલ માર્શ (52 રન) સાથે 116 રનની ભાગીદારી કરી હતી. આ રીતે, આ T20 મેચમાં લખનઉએ સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ વિકેટથી હરાવીને પોતાનું ખાતું ખોલ્યું.
IPLમાં અનસોલ્ડ હતો શાર્દુલ
IPL 2025ના મેગા ઓક્શનમાં શાર્દુલ ઠાકુર અનસોલ્ડ રહ્યો હતો. શાર્દુલે દિલ્હી સામેની આ IPL સિઝનની પ્રથમ મેચમાં 2 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ પણ લીધી હતી. શાર્દુલ ઠાકુરે વર્ષ 2015માં પંજાબ કિંગ્સ સાથે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેણે 97 IPL મેચ રમી છે, જેમાં તેણે 100 વિકેટ લેવા ઉપરાંત 307 રન બનાવ્યા છે.