Shashank Singh on Shreyas Iyer: ગુજરાત ટાઈટન્સ (GT) સામે IPL 2025ની પોતાની પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ (PBKS)ના કેપ્ટન શ્રેયસ અય્યરે 17મી અને 20મી ઓવર વચ્ચે માત્ર ચાર બોલનો સામનો કર્યો અને સાત રન બનાવ્યા. તે 97 રન બનાવીને અણનમ રહ્યો હતો. ખાસ વાત એ હતી કે, ડેથ ઓવરોમાં એક પણ વાર તેના મનમાં ત્રણ આંકડા સુધી પહોંચવાનો વિચાર નહોતો આવ્યો.
શ્રેયસ સાથે નોન-સ્ટ્રાઈકર પર રહેલા શશાંક સિંહે છેલ્લી ત્રણ ઓવરમાં સ્ટ્રાઈક સંભાળી અને પંજાબ માટે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો. શશાંકે કહ્યું કે, શ્રેયસનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ હતો કે, ‘મારી સદી વિશે ના વિચારીશ તુ બસ શક્ય તેટલા વધુ ચોગ્ગા ફટકાર.’ શશાંકે બરાબર એ જ કર્યું.
PBKSની ઈનિંગની 16મી ઓવરમાં સાતમા નંબરે બેટિંગ કરવા આવેલા શશાંકે ગત આઈપીએલમાં ફિનિશર તરીકે પોતાની ઓળખ બનાવી હતી. તેણે ગુજરાત સામે માત્ર 16 બોલમાં અણનમ 44 રન બનાવ્યા, જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા, જેના કારણે પંજાબનો સ્કોર 5 વિકેટે 243 રન થઈ ગયો.
મારી સદીની ચિંતા ના કરતો
શશાંકે ઇનિંગ્સ બ્રેક દરમિયાન સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું કે, ‘હું ઈમાનદારીથી કહું તો શ્રેયસે મને પહેલા બોલથી જ કહી દીધું હતું કે મારી સદીની ચિંતા ના કર! હું ફક્ત બોલ જોઈ રહ્યો હતો અને તેના પર રિએક્ટ કરી રહ્યો હતો.’
શ્રેયસને છેલ્લી ઓવરમાં સ્ટ્રાઈક ન મળી અને શશાંકે 20મી ઓવરમાં મોહમ્મદ સિરાજના બોલ પર પાંચ ચોગ્ગા ફટકારીને 23 રન બનાવ્યા. આખરે આ જ નિર્ણાયક પરિબળ સાબિત થયું કારણ કે, PBKSએ હાઈ-સ્કોરિંગ મુકાબલામાં 11 રનથી જીત મેળવી. જો શશાંકે શ્રેયસને સ્ટ્રાઇક આપવાનું વિચાર્યું હોત જેથી તે તેની સદી પૂર્ણ કરી શકે, તો કોણ જાણે પંજાબનો કુલ સ્કોર કેટલો થયો હોત?
મેં સ્કોરબોર્ડ તરફ ન જોયું
શ્રેયસ અય્યરના સદી ચૂકી જવા અંગે શશાંક સિંહે કહ્યું કે, ‘મેં સ્કોરબોર્ડ તરફ જોયું નહોતું, મેં છેલ્લી ઓવરમાં શ્રેયસને સ્ટ્રાઈક આપવાનું વિચાર્યું હતું, પરંતુ હું કંઈ કહું તે પહેલાંજ કેપ્ટન પોતે મારી પાસે આવ્યો અને મને શક્ય તેટલી વધુ બાઉન્ડ્રી ફટકારવાનો આગ્રહ કર્યો.’
શશાંકે અમદાવાદમાં પત્રકારોને કહ્યું કે, ‘મેં સ્કોરબોર્ડ પર ધ્યાન નહોતું આપ્યું. મેં પહેલા બોલ પર શોટ માર્યો, તેના પર નજર નાખી અને જોયું કે શ્રેયસ 97 રન પર હતો. મેં કંઈ નહીં કહ્યું, તે મારી પાસે આવ્યો અને કહ્યું શશાંક મારી સદીની ચિંતા ના કર. સ્વાભાવિક છે કે હું તેમને પૂછવાનો હતો કે શું મારે તમને એક રન આપવો જોઈએ કે કંઈક બીજું, પણ તેમાં ઘણી હિંમત અને સાહસની જરૂર પડે છે, IPLમાં સદીઓ સરળતાથી નથી મળતી.’
શ્રેયસે મને પ્રેરિત કર્યો
છત્તીસગઢના આ ઓલરાઉન્ડરે કહ્યું કે, ‘શ્રેયસના કૃત્યથી મને વધુ પ્રેરણા મળી. જે રીતે શ્રેયસે મને કહ્યું – શશાંક જા અને દરેક બોલ પર ચોગ્ગો કે છગ્ગો ફટકાર. આનાથી મારો આત્મવિશ્વાસ વધુ વધ્યો. આ એક ટીમ ગેમ છે પણ તે ક્ષણે નિઃસ્વાર્થ રહેવું મુશ્કેલ છે, શ્રેયસ પણ તેમાંથી એક હતો, હું તેને છેલ્લા 10-15 વર્ષથી ઓળખું છું, તે હજુ પણ એવો જ છે. ભગવાનની કૃપાથી, અમે સારું પ્રદર્શન કર્યું.’