Team India Captaincy Meeting in Guwahati: ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર, ચીફ સિલેક્ટર અજીત અગરકર અને BCCI સેક્રેટરી દેવજીત સૈકિયા 29 માર્ચે ગુવાહાટીમાં એક બેઠક યોજશે, જેમાં ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટનના મુદ્દા સહિત ટીમ ઈન્ડિયાને લઈને ઘણા મોટા નિર્ણયો પર વિચાર કરવામાં આવશે.
રોહિત શર્માની ઉંમરના કારણે તેનું કરિયર અંતિમ તબક્કામાં હોવાનું મનાય છે
છેલ્લા ઘણા સમયથી કેપ્ટન રોહિત શર્માની નિવૃત્તિની અટકળો ચાલી રહી છે. જો કે તેણે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ સ્પષ્ટ કરી દીધું હતું કે તે નિવૃત્ત થઈ રહ્યો નથી અને રમવાનું ચાલુ રાખશે, પરંતુ રોહિત 38 વર્ષનો થવાનો છે. આવી સ્થિતિમાં તેનું કરિયર પણ તેના અંતિમ તબક્કામાં હોવાનું માનવામાં આવે છે.
ટીમ ઈન્ડિયાના નવો કેપ્ટન અંગે પણ વિચારણા શરુ
બોર્ડે ટીમ ઈન્ડિયાના નવો કેપ્ટન અંગે પણ વિચારણા શરુ કરી દીધી છે. તેમજ ગુવાહાટીમાં યોજાનારી બેઠકમાં ભવિષ્યમાં ટેસ્ટ કેપ્ટનશિપ માટે સંભવિત ઉમેદવારો પર પણ ચર્ચા થઈ શકે છે. આ સાથે આ બેઠકમાં કેટલાક ખેલાડીઓના ભવિષ્ય અંગે પણ વિચારણા થઈ શકે છે. સુત્રો અનુસાર, બીસીસીઆઈના એક ટોચના અધિકારીનું કહેવું છે કે, ‘બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં એ પ્લસ કેટેગરીને ધ્યાનમાં લઈ શકાય છે, જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે.’
કોહલી-રોહિત ગ્રેડ A+ માંથી બહાર થઈ શકે છે
કોહલી અને રોહિત ગ્રેડ ગ્રેડ A+ કેટેગરી માંથી બહાર થઈ શકે છે. સૂત્રના જણાવ્યા અનુસાર શ્રેયસ અય્યર અને વરુણ ચક્રવર્તીને પણ કોન્ટ્રાક્ટ મળી શકે છે. ગયા વર્ષે અય્યરને કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ બેઠક કેટલાક ખેલાડીઓની ઉપલબ્ધતા અને ટેસ્ટ ક્રિકેટમાં તેમના ભવિષ્ય વિશે પણ છે.
સંભવિત કેપ્ટન વિશે, સૂત્રએ કહ્યું કે, ‘અમારા ધ્યાનમાં કેટલાક નામ છે, પરંતુ કોઈપણ નિર્ણય લેતા પહેલા ચર્ચા કરવાની જરૂર છે. એવું નથી કે આપણે બળજબરીથી ફેરફારો કરવા જઈ રહ્યા છીએ, પરંતુ આપણે ભવિષ્ય માટે માર્ગ મોકળો કરવાની જરૂર છે.’
ગુવાહાટીમાં યોજાનારી બેઠકમાં સપોર્ટ સ્ટાફ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. સપોર્ટ સ્ટાફમાંથી કેટલાક નિવૃત્ત દિગ્ગજોને રજા આપવામાં આવી શકે છે.