Virat Kohli News: ટીમ ઈન્ડિયાનો ધુઆંધાર ખેલાડી વિરાટ કોહલીના ચાહકો કરોડોની સંખ્યામાં છે. સોશિયલ મીડિયા પર તેના લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે. જેથી સોશિયલ મીડિયા પર કોહલીની પ્રત્યેક હિલચાલ ચર્ચાનો વિષય બની જાય છે. હાલમાં જ વિરાટે ઈન્સ્ટાગ્રામ પરથી પ્રમોશન, પેઈડ પાર્ટનરશીપ અને જાહેરાતો સંબંધિત પોસ્ટ દૂર કરી હતી. કોહલીના આ પગલાંથી ચાહકો અને ફોલોઅર્સમાં અનેક તર્કવિતર્ક શરૂ થયા હતા. અંતે કોહલી આ મામલે સ્પષ્ટતા આપવા મજબૂર બન્યો હતો.
પ્રમોશનલ પોસ્ટ દૂર કરી
ગત બુધવારે વિરાટ કોહલીએ પ્રમોશનલ પોસ્ટ દૂર કરી દીધી હતી. ત્યારબાદ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ સેક્શનમાં વિરાટ, તેનો પરિવાર, વર્કઆઉટ સેશનની સાથે સાથે આઈપીએલ 2025ની અમુક તસવીરો અને વીડિયો જ જોવા મળી રહ્યા હતા. વિરાટે પોતાનું એકાઉન્ટ શા માટે રિસેટ કર્યું તે ચર્ચાનો વિષય બન્યો હતો. અંતે આરસીબીની યુટ્યૂબ ચેનલ પર એક વીડિયોમાં કોહલીએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા મુદ્દે હું મૌન તોડી રહ્યો છું. હું હાલ એવી સ્થિતિમાં છું કે, લોકો સાથે વધુ જોડાણ કરી શકતો નથી. જો કે, ભવિષ્ય વિશે કંઈક કહેવું અસંભવ છે. હાલ અમુક એવી ઘટનાઓ ઘટી હતી, જેના લીધે મારે એકાઉન્ટ રિસેટ કરવુ પડ્યું હતું.
બ્રાન્ડ વેલ્યૂ વધી
હાલમાં જ ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પોતાના નામે કરતાં તમામ ખેલાડીઓની બ્રાન્ડ વેલ્યૂ વધી ગઈ છે. જેમાં વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યૂ પણ વધી હોવાનું સ્વંય કોહલીએ સ્વીકાર્યું છે. સોશિયલ મીડિયામાં ઈન્સ્ટાગ્રામ પર તેના 27.1 કરોડ અને X પર 6.77 કરોડ ફોલોઅર્સ છે. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ મામલે કોહલી વિશ્વના ટોચના એથલેટ્સ પૈકી એક છે. ગતવર્ષે તેણે ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટી20 મેચમાંથી સંન્યાસ લીધો હતો. આ ફોર્મેટમાં તેણે 125 મેચ રમી છે. જેમાં એક સદી અને 38 અર્ધસદી સાથે 4188 રન ફટકાર્યા છે. કોહલીની એવરેજ 48.69 અને સ્ટ્રાઈક રેટ 137.04 છે.