Katy Perry Space Mission: પોપ સિંગર કેટી પેરી બહુ જલદી અંતરીક્ષની યાત્રા પર જવાની છે. એમેઝોનના માલિક જેફ બેઝોસ દ્વારા શરૂ કરવામાં આવેલી બ્લુ ઓરિજિન દ્વારા તે આ પ્રવાસ કરશે. આ ફ્લાઇટમાં દરેક મહિલા ક્રૂ જોવા મળશે.
ક્યાથી ઉપડશે આ સ્પેસક્રાફ્ટ?
કેટી પેરી જે સ્પેસક્રાફ્ટમાં જવાની છે, તેને ધ ન્યુ શેપર્ડ સ્પેસક્રાફ્ટ નામ આપવામાં આવ્યું છે. અમેરિકાના પ્રથમ અંતરીક્ષ યાત્રી એલન શેપર્ડના નામ પરથી આ સ્પેસક્રાફ્ટનું નામ રાખવામાં આવ્યું છે. વેસ્ટ ટેક્સાસમાં આવેલી બ્લુ ઓરિજિનના લોન્ચપેડ પરથી આ સ્પેસક્રાફ્ટને લોન્ચ કરવામાં આવશે.
11 મિનિટમાં 100 કિલોમીટર
કેટી પેરી જે સ્પેસક્રાફ્ટમાં જવાની છે, તેને અંતરીક્ષમાં પહોંચવા માટે લગભગ અગિયાર મિનિટનો સમય લાગશે. આટલી મિનિટમાં સ્પેસક્રાફ્ટ 100 કિલોમીટર ઊંચાઈએ પહોંચી જશે. આ મિશનને NS-31 નામ આપવામાં આવ્યું છે. બ્લુ ઓરિજિનની આ અગિયારમી ફ્લાઇટ છે, જેમાં મનુષ્યને ફક્ત અંતરીક્ષમાં પ્રવાસ માટે લઈ જવામાં આવ્યું છે.
1963 બાદ પહેલી વાર ફક્ત મહિલાઓ જશે અંતરીક્ષમાં
1963ના એક મિશન બાદ પહેલી વાર અંતરીક્ષમાં ફક્ત મહિલા ક્રૂ જોવા મળશે. એ સમયે સોવિયેટ કોસ્મોનોટ વેલેન્ટિના ટેરેશ્કોવા અંતરીક્ષમાં સોલો મિશન પર ગઈ હતી. ત્યાર બાદ એક પણ વાર ફક્ત મહિલા અંતરીક્ષમાં નથી ગઈ. કેટી પેરી સાથે આ મિશનમાં જેફ બેઝોસની મંગેતર લોરેન સેનચેઝ, જર્નલિસ્ટ ગેલ કિંગ, નાસાની એરોસ્પેસ એન્જિનિયર આઇશા બોવ, સિવિલ રાઇટ્સ એક્ટિવિસ્ટ અમેન્ડા ગ્યુયેન અને ફિલ્મ પ્રોડ્યુસર કેરીએન ફ્લીન જોવા મળશે.
કેટી પેરી અંતરીક્ષમાં ક્યારે જશે?
કેટી પેરી આ તમામ મહિલા ક્રૂ સાથે 14 એપ્રિલે અંતરીક્ષમાં જશે. આ સ્પેસક્રાફ્ટને લોન્ચ કરવાનો સમય ભારતના સાંજે સાત વાગ્યે રાખવામાં આવ્યો છે. આ મિશન દ્વારા મહિલાઓને પ્રેરિત કરવામાં આવશે. માત્ર અંતરીક્ષમાં જવા માટે જ નહીં, પરંતુ અંતરીક્ષમાં કરિયર બનાવવા માટે પણ તેમને પ્રેરિત કરવામાં આવશે. આ મિશન દ્વારા દરેક વ્યક્તિ સ્પેસક્રાફ્ટની મોટી-મોટી વિન્ડોમાંથી અંતરીક્ષનો નજારો માણશે. તેમ જ અંતરીક્ષમાંથી પૃથ્વી કેવી દેખાશે તે પણ જોઈ શકશે.
લાઇવ દેખાડવામાં આવશે
આ ઇવેન્ટ બ્લુ ઓરિજિન દ્વારા આ ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. એટલે કે અંતરીક્ષના રસિયાઓ અને કેટી પેરીના ફેન્સ આ ઇવેન્ટને લાઇવ જોઈ શકશે. આ યાત્રા વિશે કેટી પેરી કહે છે, ‘હું આ યાત્રા માટે ખૂબ જ ઉત્સાહી છું. હું મારી દીકરીને પ્રેરિત કરવા માગું છું કે હંમેશાં સિતારાને પકડવા માટેની કોશિશ કરવી.’