Life Found Beyond Solar System: સૂર્યમંડળ બહાર જીવનના સંકેતો, વૈજ્ઞાનિકોએ શોધ્યો મજબૂત પુરાવો

Arati Parmar
By Arati Parmar 4 Min Read

Life Found Beyond Solar System: આપણા સૂર્યમંડળ બહાર પણ જીવન હોવાનો પહેલી જ વખત મજબૂત સંકેત મળ્યો છે. આવો સંકેત પૃથ્વીથી ૧૨૪ પ્રકાશ વર્ષ દૂરના અંતરે  ઘૂમતા કેટુ-૧૮બી સંજ્ઞા ધરાવતા એક્ઝોપ્લેનેટ(સૂર્યમંડળ બહારના ગ્રહને એક્ઝોપ્લેનેટ કહેવાય છે) પરથી મળ્યો છે.  આ મહત્વનું સંશોધન અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ  સ્પેસ   એડમિનિસ્ટ્રેશન (નાસા)ના   જેમ્સ વેબ સ્પેસ  ટેલિસ્કોપ  દ્વારા  થયેલા કેટુ-૧૮બી  એક્ઝોપ્લેનેટના નિરીક્ષણના આધારે થયું છે.

 ભારતીય મૂળના ખગોળશાસ્ત્રી અને હાલ કેમ્બ્રીજ યુનિવર્સિટી (બ્રિટન)માં એસ્ટ્રોફિઝિસિસ્ટ તરીકે ફરજ બજાવતા પ્રો.નીક્કુ મધુસુદન અને તેમની ટીમ દ્વારા રજૂ થયેલા સંશોધનપત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે  જેમ્સ વેબ  સ્પેસ  ટેલિસ્કોપ  દ્વારા કેટુ-૧૮બી ગ્રહના વાતાવરણમાં  ડાયેમેથાઇલ  સલ્ફાઇડ (ડીએમએસ) અને ડાયમેથાઇલ ડિસલ્ફાઇડ (ડીએમડીએસ) એવાં બે રસાયણોનાં તત્વો હોવાનો સંકેત મળ્યો છે. મહત્વનું પાસું એ છે કે આ બંને પ્રકારનાં રસાયણનાં તત્વો ફક્ત પૃથ્વી પરના જીવ દ્વારા જ ઉત્પન્ન થાય છે. ખાસ કરીને પૃથ્વી પરનાં સમુદ્રી જીવો દ્વારા જ આ બંને પ્રકારનાં રસાયણનાં તત્વો ઉત્પન્ન થાય છે. પૃથ્વી પર આવાં જીવન તત્વ અલ્ગી(શેવાળ) સ્વરૂપનાં હોય છે.

જોકે પ્રો.નીક્કી મધુસુદને એવી સ્પષ્ટતા પણ કરી છે કે અમારું આ સંશોધન કાંઇ સચોટ પુરાવો નથી.અમે અમારા સંશોધનમાં બહુ કાળજી રાખીને આગળ વધી રહ્યા છીએ.  આમ છતાં કેટુ-૧૮બી ગ્રહના વાતાવરણમાંથી જે બે રસાયણનાં  તત્વો હોવાનો સંકેત મળ્યો છે તેના દ્વારા આપણી સૌરમાળા બહાર પણ જીવ હોવાનો મજબૂત સંકેત તો જરૂર છે. ઉપરાંત, આ ગ્રહ હાયશન( હાયશન શબ્દ હાઇડ્રોજન અને ઓશન એમ બે શબ્દ પરથી આવ્યો છે) છે. એટલે કે કેટુ-૧૮બી ગ્રહ જળથી ઘેરાયેલો હોવાની અને તેના વાતાવરણમાં હાઇડ્રોજનનું પ્રમાણ પણ હોવાની પૂરી શક્યતા છે.

આમ તો કેટુ-૧૮બી એક્ઝોપ્લેનેટની શોધ ૨૦૧૫માં  નાસાના કેપ્લર સ્પેસ ટેલિસ્કોપ દ્વારા થઇ છે. કેટુ-૧૮બી ગ્રહનું દળ આપણી પૃથ્વીના દળ કરતાં નવ ગણું વધુ છે. જ્યારે આ ગ્રહ કદમાં પૃથ્વીના કદ કરતાં બમણો મોટો છે. આ ગ્રહ તેના પિતૃ તારાથી હેબિટેબલ ઝોન(જીવન પાંગરવાની શક્યતા ધરાવતો વિસ્તાર)માં છે. આ પિતૃ તારો કૂલ રેડ ડ્વાર્ફ છે અને આપણા સૂર્યના કદ કરતાં અડધા કદનો છે.

ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ(ટી.આઇ.એફ. આર.-મુંબઇ)ના સિનિયર ખગોળશાસ્ત્રી અને ભારત– નાસાના સંયુક્ત અનુરાધા પ્રોજેક્ટના સભ્ય પ્રો.મયંક વાહિયાએ તેમના બહોળા સંશોધન અને અભ્યાસના આધારે કહે છે, આ સંશોધન અને તેનો સંકેત બહુ મહત્વનો છે. અત્યાર સુધીમાં આપણા સૂર્યમંડળના પૃથ્વી સિવાયના કોઇ ગ્રહ પર કે સૂર્યમંડળ બહારના કોઇ ગ્રહ પર આ પ્રકારનાં રસાયણનાં તત્વો નથી મળ્યાં.

જોકે સાથોસાથ મહત્વનો મુદ્દો એ પણ છે કે  કેટુ-૧૮બી  ગ્રહના વાતાવરણમાં  ડાયેમેથાઇલ  સલ્ફાઇડ (ડીએમએસ) અને ડાયમેથાઇલ ડિસલ્ફાઇડ (ડીએમડીએસ) એવાં બે રસાયણોનાં તત્વો જીવન ઉપયોગી કે જીવન પાંગરવા માટે આવશ્યક  હોય તે જરૂરી નથી. આમ છતાં હવે અત્યાધુનિક સ્પેસ ટેલિસ્કોપ્સની મદદથી આપરા સૂર્યમંડળ બહાર  ૫,૦૦૦ જેટલા  નવા ગ્રહો શોધાઇ રહ્યા છે ત્યારે તેમાંના કોઇ ગ્રહ પર જીવન હોવાની શક્યતા નકારી ન શકાય. ઉપરાંત, કયા નવા ગ્રહ પર કેવા પ્રકારનું જીવન પાંગર્યું છે કે પાંગરવાની શક્યતા છે કઇ રીતે કહી શકાય ? કારણ કે અત્યારસુધીમાં એવાં ઘણાં  તત્વો શોધાયાં છે જે કેમિકલ્સ રિએક્શન સાથે પણ જીવી શકે છે.

આમ તો જીવન પાંગરવા માટે કાર્બનની જરૂર હોય.આમ છતાં તે સંભવિત જીવનાં ડીએનએ (ડિઓક્સીરીબોન્યુક્લેઇક એસિડ) અને આરએનએ કજાદ જુદાંપણ હોઇ શકે. મૂળ મુદ્દો એ છે કે અનંત ,અફાટ બ્રહ્માંડમાં પૃથ્વી પર છે તેવું જીવન અન્ય કોઇ ગ્રહ પર પાંગર્યું હોવાની સાબિતી મળે અથવા અન્ય સ્વરૂપમાં હોવાના પુરાવા મળે તો તે સંશોધન અદભુત હશે.

યુનિવર્સિટી ઓફ બર્નેના ખગોળશાસ્ત્રી ડો. નોરા હેન્નાઇએ એમ કહ્યું છે કે એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે નિષ્ક્રિય થઇ ગયેલા એક ધૂમકેતુમાંથી પણ ડીએમએસ તત્વ મળ્યું છે. એટલે આવો કોઇપણ દાવો કરતાં પહેલાં આપણે  બહુ સજાગ અને સચેત રહેવું જરૂરી છે.

Share This Article