Protect Gadgets in Summer: એપ્રિલ શરૂ થયો નથી કે ખૂબ જ ગરમી પડી રહી છે, અને હજી તો મે મહિનો બાકી છે. માણસને જે રીતે ગરમી લાગે છે, તે જ રીતે ગેજેટ્સ પર પણ અસર થાય છે. આથી, ગરમીના કારણે ગેજેટ્સની લાઇફમાં ઘટાડો થાય છે. જોકે, કેટલીક કાળજી લઈએ તો ગેજેટ્સની લાઇફ વધારી શકાય છે.
સાફ સફાઈ રાખવી
સમયાંતરે ગેજેટ્સને સાફ કરવું જરૂરી છે. ઉનાળામાં પરસેવાથી ઘણી સમસ્યા થાય છે. ફોન પર વાત કર્યા પછી સ્ક્રીન પર પરસેવો દેખાય છે. ફોન પૂરો થતાં સૌથી પહેલાં એને સાફ કરવું જોઈએ. દિવસ દરમ્યાન મોબાઇલ ગંદા કે ભીના હાથ વડે પકડાય છે; તેથી, અઠવાડિયામાં એક વાર ગેજેટ્સને સંપૂર્ણ રીતે સાફ કરવું જોઈએ. મુલાયમ કાપડનો ઉપયોગ કરો અને માર્કેટમાં મળતી ચોક્કસ પ્રોડક્ટથી સાફ કરો. આલ્કોહોલવાળી પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો, કારણ કે તે મોબાઇલ પર લાગેલા સેફ્ટી લોકને નુકસાન પહોંચાડી શકે છે. ધૂળ દૂર કરવાથી ગેજેટ્સ સારું દેખાય છે અને એના પર્ફોર્મન્સમાં પણ વધારો થાય છે.
વધુ પડતું ચાર્જ કરવાનું ટાળવું
ગેજેટ્સની બેટરી ચોક્કસ તાપમાનમાં જ સારી રીતે કામ કરે છે. વધુ ગરમી અથવા ઠંડીથી બેટરી બેકઅપ પર અસર થાય છે. ગરમીના લીધે ગેજેટ્સ ઝડપથી ગરમ થાય છે. મોબાઇલ ઠંડો હોય ત્યારે ચાર્જમાં મૂકો અને બેટરી ફુલ ચાર્જ થયા બાદ પણ એને ચાર્જમાં ન રાખો. ચાર્જ પર રાખીને મોબાઇલ ઉપયોગ કરવાથી તે વધુ ગરમ થાય છે, જે પર્ફોર્મન્સને અસર કરે છે. તેથી, વધુ પડતું ચાર્જ કરવાનું ટાળવું.
ગરમીથી બચાવવું જરૂરી
ગેજેટ્સને ગરમીથી બચાવવું જરૂરી છે. ગરમીથી ગેજેટ્સ બહારથી અને અંદરથી ડેમેજ થઈ શકે છે. ગેજેટ્સ પર સીધો તડકો ન પડે તે ધ્યાનમાં રાખો. પંખા કે એસીવાળા માહોલમાં ગેજેટ્સ વધુ સારી રીતે કામ કરે છે. લેપટોપ કારમાં મૂકી રાખશો નહીં, કારણ કે તે ગરમ થઈ શકે છે. જ્યારે ગેજેટ્સ સામાન્ય તાપમાનમાં રહેશે, ત્યારે તે વધુ લાંબા સમય સુધી ચાલશે.
કવરનો સમજીને ઉપયોગ કરવો
ગેજેટ્સ માટે કવર પસંદ કરવું મહત્વપૂર્ણ છે. જો કવર ગરમ ગેજેટ્સને વધુ ગરમ રાખતું હોય, તો તેનો ઉપયોગ ટાળો. એવું કવર પસંદ કરો જે પડવાથી સુરક્ષા આપે અને ગરમીથી પણ રક્ષા કરે.