Starlink Hacking Challenge: ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સ્ટારલિંક સર્વિસને હેક કરી દેખાડનારને એક લાખ અમેરિકન ડોલર એટલે કે 85.65 લાખ રૂપિયા આપવામાં આવશે. આ એક રિવોર્ડ પ્રોગ્રામ છે, જેના દ્વારા સિસ્ટમમાં શું ખામી છે એ શોધી આપી શકાય. સ્ટારલિંક સર્વિસ એક સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ પૂરા પાડતી સિસ્ટમ છે.
ત્રણ મહિનાથી ચાલી રહ્યો છે બાઉન્ટી પ્રોગ્રામ
સ્પેસએક્સ દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી આ બાઉન્ટી પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે. આ પ્રોગ્રામમાં ક્યાં ભૂલ છે એ દેખાડી આપવા માટે પૈસા આપવામાં આવે છે. અત્યાર સુધી 43 ભૂલો દર્શાવવામાં આવી છે, અને આ દરેક ભૂલ માટે પૈસા ચૂકવવામાં આવ્યા છે. અત્યાર સુધી એવરેજ 913.75 અમેરિકન ડોલર, એટલે કે 78,273 રૂપિયા, એક ભૂલ શોધવા માટે ચૂકવ્યા છે.
સિક્યોરિટી માટે શરૂ કર્યો બાઉન્ટી પ્રોગ્રામ
સ્ટારલિંક સિસ્ટમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ બાઉન્ટી પ્રોગ્રામ શરૂ કર્યો છે. સ્ટારલિંક હવે ઘણા દેશોમાં શરૂ થઈ રહ્યું છે અને એ ભારતમાં પણ આવી રહ્યું છે. કંપની તેના યુઝર્સની પ્રાઇવસીને ખૂબ મહત્ત્વ આપી રહી છે, અને તેથી જ આ બાઉન્ટી પ્રોગ્રામ શરૂ કર્યો છે. સ્પેસએક્સના હાલમાં 7,000થી વધુ અર્થ ઓરબિટ સેટેલાઇટ્સ કાર્યરત છે. આથી સિસ્ટમ અને યુઝર્સના ડેટાને સુરક્ષિત રાખવું એ કંપનીની નૈતિક જવાબદારી છે, અને આ માટે બાઉન્ટી પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.
હેક કરી દેખાડવાની ચેલેન્જ
સ્પેસએક્સ દ્વારા કેવી ભૂલ શોધવામાં આવી છે એના આધારે પૈસા ચૂકવવામાં આવે છે. છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલાં આ પ્રોગ્રામ બાદ કંપની દ્વારા મોટાભાગની ખામીઓ દૂર કરી દેવામાં આવી છે. આથી, સ્ટારલિંક દ્વારા હવે તેમની સૌથી મોટી બાઉન્ટી જાહેર કરવામાં આવી છે. જે વ્યક્તિ આ સિસ્ટમને હેક કરી દેખાડશે તેને એક લાખ અમેરિકન ડોલર, એટલે કે અંદાજે 85.65 લાખ રૂપિયા, ચૂકવવામાં આવશે.
દુનિયાભરમાં ઊભું કરી રહ્યું છે નેટવર્ક
સ્ટારલિંકની ઘણી જગ્યાએ ટીકા કરવામાં આવી રહી છે અને ઘણી કંપનીઓ હરિફાઈ પણ આપી રહી છે. કેનેડાની ટેલિકોમ કંપની બેલ કેનેડાએ ટીકા કરી હતી કે સ્ટારલિંક સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી પર નિર્ભર છે. તેમ છતાં, આ તમામ ટીકા અને હરિફાઈ વચ્ચે સ્ટારલિંક દુનિયાભરમાં સર્વિસ પૂરી પાડવા જઈ રહ્યું છે. ભારતમાં પણ એનો વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે ભારતની જ ટેલિકોમ કંપનીએ તેમની સાથે હાથ જોડ્યો છે. આ ઉપરાંત, કંપની દ્વારા સોમાલિયા, ઇટાલી અને ઓસ્ટ્રેલિયામાં પણ સર્વિસ શરૂ કરવામાં આવી છે. ઇલોન મસ્કને ટક્કર આપવા માટે હવે જેફ બેઝોસ પણ તૈયારી કરી રહ્યો છે. તેના દ્વારા પ્રોજેક્ટ ક્યુપર હેઠળ 3,000 સેટેલાઇટ્સ લોન્ચ કરવામાં આવશે.