કરોડો મોબાઈલ ફોન યુઝર્સ માટે એક સારા સમાચાર છે. ટેલિકોમ રેગ્યુલેટર TRAIએ રિચાર્જ ફીના નિયમોમાં સુધારો કરીને મોબાઈલ પર માત્ર કોલિંગ અને SMSની સુવિધાનો ઉપયોગ કરતા લોકોને મોટી રાહત આપી છે. આ અંતર્ગત મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર્સ માટે ઈન્ટરનેટનો ઉપયોગ ન કરતા ગ્રાહકો માટે ‘વોઈસ કોલ’ અને એસએમએસ માટે અલગ પ્લાન બહાર પાડવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. રેગ્યુલેટરીએ સ્પેશિયલ રિચાર્જ કૂપન પરની 90 દિવસની મર્યાદા દૂર કરી અને તેને વધારીને 365 દિવસ કરી દીધી છે.
ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન (12મો સુધારો) રેગ્યુલેશન્સમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ જણાવ્યું હતું કે, ટેલિકોમ કંપનીઓને ઓછામાં ઓછા એક વિશેષ ટેરિફ વાઉચર પ્લાન તો કોલિંગ અને SMS માટે ઓફર કરવાનો રહેશે. તેની માન્યતા 365 દિવસથી વધુ નહીં હોય.
હવે ઇન્ટરનેટ પ્લાનની જરૂર નથી
આ નિર્ણય બાદ હવે લોકોને જે સેવાઓનો ઉપયોગ કરે છે તેની જ ચૂકવણી કરવાની રહેશે. કાઉન્સેલિંગ પ્રક્રિયા દરમિયાન TRAIને વિવિધ મંતવ્યો આવ્યા હતા. તેમાં સામે આવ્યું છે કે ઘણા વરિષ્ઠ નાગરિકો કે જેમના ઘરોમાં બ્રોડબેન્ડ છે તેમને તેમના મોબાઇલ ફોન માટે ઇન્ટરનેટવાળા રિચાર્જ પ્લાનની જરૂર નથી.
ટેલિકોમ રેગ્યુલેટર અનુસાર, તેમનું માનવું છે કે કોલિંગ અને SMS માટે અલગ સ્પેશિયલ રિચાર્જ પ્લાન હોવા જોઈએ. TRAIએ જણાવ્યું હતું કે, માત્ર કોલિંગ અને SMS માટે વિશેષ વાઉચર ફરજિયાત બનાવવાથી એવા ગ્રાહકોને એક વિકલ્પ મળશે જેમને ડેટા (ઇન્ટરનેટ)ની જરૂર નથી.