UPI Service Suspended: પહેલી એપ્રિલથી કેટલાક UPI નંબર પરની સર્વિસ બંધ થઈ જશે. ત્યાર બાદ આ મોબાઇલ નંબરથી પૈસા મોકલી પણ નહીં શકાય અને લઈ પણ નહીં શકાશે. ડિજીટલ પેમેન્ટના જમાનામાં દરેક વ્યક્તિ હવે સાથે પૈસા નથી રાખતો અને ઓનલાઇન પેમેન્ટ કરવાનું પસંદ કરે છે. જોકે હવે ઘણાં UPI યુઝર્સના એકાઉન્ટ બંધ થવા જઈ રહ્યાં છે.
UPI કેમ બંધ થશે?
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય હેઠળ જેટલાં પણ યુઝર્સના બેન્ક એકાઉન્ટ એવા મોબાઇલ નંબર સાથે રજિસ્ટર હશે જે બંધ થઈ ગયા છે એ તમામના UPI પણ બંધ થઈ જશે. બેન્ક એકાઉન્ટમાં જો નંબર બંધ હશે એનો UPI ઓટોમેટિક ડીલિંક એટલે કે અલગ થઈ જશે. આથી ગૂગલ પે, ફોનપે, પેટીએમ અને અન્ય UPIનો ઉપયોગ કરતાં યુઝર્સના એકાઉન્ટ બંધ થઈ જશે.
કેમ આ નિર્ણય લેવામાં આવ્યો?
બેન્ક એકાઉન્ટમાં જે નંબર હશે એ નંબર ચોક્કસ સમય કરતાં વધુ સમય માટે બંધ હશે તો બેન્કના એકાઉન્ટમાંથી એ ડિલીટ કરવામાં આવશે. બેન્ક એકાઉન્ટમાં નંબર ન હોવાથી એ UPIમાંથી પણ નિકળી જશે. આ નિર્ણય લેવા પાછળનું કારણ વધતા છેતરપિંડી છે. આજે છેતરપિંડી ખૂબ જ થઈ રહી છે. આથી એને રોકવા માટે અને બેન્કની સિસ્ટમમાં કોઈ ટેક્નિકલ એરર ન આવે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ જ બેન્ક હવે મોટા-મોટા પેમેન્ટ માટે ફોન કરીને પૂછે છે કે આ પેમેન્ટ યુઝર દ્વારા કરવામાં આવ્યું છે કે નહીં. જો એ ફોન ઉંચકવામાં ન આવે તો એ પેમેન્ટ નહીં થાય. આથી આ રીતે બેન્ક હવે તમામ પ્રકારની સિક્યોરિટીનો સમાવેશ કરી રહી છે. યુઝરનો નંબર ચાલુ હશે અને એડ્રેસ બરાબર હશે તો જ એ એકાઉન્ટને એક્ટિવ રહેશે.
કોના પર થશે આ નિયમની અસર?
એ દરેક કસ્ટમર જેમણે મોબાઇલ નંબર બદલ્યા તો છે, પરંતુ બેન્ક એકાઉન્ટમાં હજી પણ જૂના નંબર છે એનો UPI બંધ થઈ જશે. જૂનો મોબાઇલ નંબર અન્ય મોબાઇલ યુઝર્સ પાસે હોય અને એમ છતાં આ યુઝર UPIનો ઉપયોગ એ નંબર પર કરી રહ્યો હોય તો એ બંધ થઈ જશે. એવા દરેક કસ્ટમરનો UPI બંધ થઈ જશે તેમણે પોતાની મરજીથી નંબર બંધ કરી દીધો છે, પરંતુ બેન્કમાં એની માહિતી નથી આપી.
UPI ચાલુ રાખવા માટે શું કરશો?
યુઝરનો બેન્કમાં જે નંબર છે એ ચાલુ રાખવો અને જો એ બંધ હોય તો રિચાર્જ કરાવી ચાલુ કરી દેવો. એ બંધ થઈ ગયો હોય તો સૌથી પહેલાં આ માટે બેન્કમાં જઈને યુઝરે પોતાનો ચાલુ હોય એ નંબર રજીસ્ટર કરાવવાનો રહેશે. ત્યાર બાદ ફરીથી આ નંબર સાથે યુઝરે UPI એક્ટિવેટ કરવાનું રહેશે.
ટેલિકોમ કંપનીઓ આપી રહી છે અન્યોને નંબર
મોટાભાગની દરેક ટેલિકોમ કંપની હવે જૂના બંધ થઈ ગયેલા નંબરને અન્ય યુઝર્સને આપી રહી છે. આથી બેન્કમાં જેનો પણ જૂનો મોબાઇલ નંબર હોય તેમના માટે આ ખૂબ જ મોટું રિસ્ક છે. આ કારણસર બેન્કની સુવિધાનો દુરપયોગ ન થાય એ માટે આ જૂના બંધ નંબર વાળા એકાઉન્ટને બેન્ક તેમના રેકોર્ડમાંથી કાઢી રહી છે. આ સાથે જ બેન્ક દ્વારા આ રેકોર્ડને દર અઠવાડિયે અપડેટ કરવાનો રહેશે. આથી હવે દર અઠવાડિયે કેટલાક મોબાઇલ નંબરને કારણે UPI થશે તો કેટલાકના ચાલુ થશે.