Aadhaar : હવે આધાર કાર્ડની ઓળખ માટે હાર્ડ કે સોફ્ટ કોપી આપવાની જરૂર નહીં રહે. UIDAI એ ચહેરા પરથી ઓળખ કરતું સ્માર્ટ ફેસ ઓથેન્ટિકેશન ફીચર રજૂ કર્યું છે
અત્યારે આધુનિક ટેક્નોલોજીના યુગમાં આધાર કાર્ડ પણ વધુ સ્માર્ટ બનતું જઈ રહ્યું છે. અત્યાર સુધી હોટલ, કોલેજ કે અન્ય કોઈ પણ જગ્યાએ ઓળખ માટે આધાર કાર્ડની હાર્ડ અથવા સોફ્ટ કોપી આપવા પડતી હતી, પરંતુ હવે એવી જરૂર રહેશે નહીં. UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ આધાર કાર્ડમાં સ્માર્ટ ફેસ ઓથેન્ટિકેશનની નવી સુવિધા ઉમેરવી છે. હવે માત્ર તમારા સ્માર્ટફોનની મદદથી ચહેરો સ્કેન કરીને ઓળખ પતરું ચકાસી શકાય છે.
આ નવી સુવિધાથી આધાર ઓથેન્ટિકેશન એટલું જ સરળ બનશે જેટલું UPI દ્વારા પેમેન્ટ કરવું. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે જેમ તમે મોબાઈલથી પેમેન્ટ કરો છો, એ જ રીતે હવે આધાર ચકાસણી પણ કરી શકાશે. આ માટે સ્માર્ટફોન હોવો જરૂરી છે.
સ્માર્ટ ફેસ ઓથેન્ટિકેશનની મદદથી તમારી વ્યક્તિગત માહિતી વધુ સુરક્ષિત રહેશે અને દરેકને એ માહિતી સરળતાથી ઉપલબ્ધ નહીં બને. હવે તમારે હાર્ડકોપી કે સોફ્ટકોપી આપવાની જરૂર નહીં રહે. નવા આધારે ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવા માટે તમારે તમારાં ફોનમાં નવી આધાર એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે અને તેમાં દર્શાવેલા પગલાં અનુસરવાના રહેશે. ચહેરો સ્કેન કર્યા પછી સંબંધિત વ્યક્તિની માહિતી મોબાઈલની સ્ક્રીન પર દેખાશે.
હાલમાં આ ફીચર બીટા ટેસ્ટિંગમાં છે એટલે સામાન્ય લોકો માટે થોડી રાહ જોવી પડશે પણ ભવિષ્યમાં આ ટેકનોલોજી લોકોનું કામ ખૂબ સરળ બનાવી દેશે.
આ નવી એપ ડેટા સુરક્ષામાં મદદ કરશે
હકીકતમાં, એરપોર્ટ સહિત ઘણી જગ્યાએ, લોકોએ પોતાનું આધાર કાર્ડ અથવા તેની નકલ સાથે રાખવી પડે છે. આવા કિસ્સામાં, જો આધાર કાર્ડ ધારક તે આધાર કાર્ડની નકલ બીજા કોઈને આપે છે, તો આધાર કાર્ડ પર છપાયેલી બધી વિગતો તે વ્યક્તિ અથવા એજન્સી સુધી પહોંચે છે. આવા કિસ્સામાં, કોઈપણ અન્ય વ્યક્તિ અથવા સાયબર છેતરપિંડી કરનાર આધાર પર છપાયેલી વિગતોનો દુરુપયોગ કરી શકે છે અને તમને આર્થિક રીતે નુકસાન પણ પહોંચાડી શકે છે.
નવી આધાર એપમાં શું ખાસ છે?
ડિજિટલ વેરિફિકેશન નવી આધાર એપ દ્વારા ફેસ આઈડી અને ક્યૂઆર સ્કેનિંગ દ્વારા કરવામાં આવશે.
નવી આધાર એપથી યુઝર્સની પરવાનગી વગર ડેટા શેર નહીં થાય, ગોપનીયતા વધશે.
હવે ચકાસણી માટે દસ્તાવેજની ફોટોકોપી આપવાની જરૂર રહેશે નહીં.
હોટલ અને એરપોર્ટ પર ફોટોકોપી આપવાની જરૂર રહેશે નહીં. નવી આધાર એપ સાથે છેતરપિંડી કે એડિટિંગનો કોઈ અવકાશ રહેશે નહીં.
નવી આધાર એપનો શું ફાયદો થશે?
નવી આધાર એપ આવ્યા પછી, તમારા આધાર કાર્ડની વિગતો સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. આનાથી ખાતરી થશે કે તમારા આધાર કાર્ડ સંબંધિત ડેટા લીક નહીં થાય. નવી એપ પર પ્રમાણીકરણ પ્રક્રિયા ખાતરી કરશે કે વ્યક્તિ અથવા એજન્સીને જરૂરી વિગતો જ સુલભ હશે.