સાઇબેરિયામાં મળ્યા 50,000 વર્ષ જૂના બાળ મેમથના અવશેષ, જાણો પ્રાચીન હાથીઓના રહસ્ય

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Young Mammoth Remains in Siberian: રશિયાના ઉત્તર-પૂર્વ ભાગમાં સાઇબેરિયા નામનો પ્રદેશ છે. આ બર્ફીલો પ્રદેશ હાડ થીજવતી ઠંડીને લીધે બાકીની દુનિયાથી આજ સુધી મહદઅંશે અલિપ્ત રહી શક્યો છે. કોઈક જમાનામાં અહીં મેમથ (હાથીની એક વિશાળકાય પ્રજાતિ) વિચરતા હતા. સંશોધકોનો મતે, મેમથ 4000 વર્ષ અગાઉ લુપ્ત થઈ ગયા હતા. એકલા સાઇબેરિયામાં જ એમની વસ્તી લાખોમાં હતી, તેથી આ પ્રદેશમાં બરફ નીચે દબાઈને સચવાઈ રહેલા મેમથના અવશેષો છાશવારે મળતાં રહે છે. તાજેતરમાં પણ ત્યાં મેમથના અવશેષ મળી આવ્યા છે.

મળી આવ્યું બાળ-મેમથ

- Advertisement -

સાઇબેરિયામાં ‘બટાગાઈકા’ નામની ક્રેટર(ધરતીની સપાટી પર રચાયેલો મહદ્અંશે ગોળાકાર વિશાળ ખાડો)માંથી બાળ મેમથના અવશેષ મળી આવ્યા છે. મોટેભાગે કોઈ પ્રાણીના અવશેષ મળે તો એ ટુકડામાં વિભાજિત થયેલા જ હોય છે, પણ આ બાળ મેમથનું તો અડધું ઉપરાંત શરીર જેમનું તેમ સચવાયેલું મળી આવ્યું છે. તેનું માથું, સૂંઢ, આગલા બે પગ અને લગભગ અડધું ધડ સારી રીતે સચવાયેલું છે. સંશોધકોએ તેને અત્યાર સુધીની સૌથી સારી રીતે સચવાયેલા મેમથ અશ્મિ ગણાવ્યા છે.

50,000 વર્ષ જૂનું છે આ મેમથ

- Advertisement -

આ બાળ મેમથ 47 ઇંચ ઊંચું છે. એનું અંદાજિત વજન 220 પાઉન્ડ છે. તે 50,000 વર્ષથી વધુ જૂનું હોવાનો અંદાજ લગાવાયો છે. પ્રાથમિક પરીક્ષણને આધારે સંશોધકોનું એવું કહેવું છે કે આ મેમથનું મૃત્યુ થયું ત્યારે તે એકાદ વર્ષનું જ હશે. તેના પર પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. એ પછી એની વયનો અને એ કેટલા હજાર વર્ષ અગાઉ મૃત્યુ પામ્યું હતું, એ જાણી શકાશે. આ બાળ મેમથને ‘યાના’ નામ અપાયું છે.

આ રીતે મળી આવ્યું ‘યાના’

- Advertisement -

ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયાના પ્રત્યેક ખૂણામાં જામેલો બરફ પીગળવા લાગ્યો છે. સાઇબેરિયા પણ એમાંથી બાકાત નથી રહી શક્યું. બટાગાઈકા ક્રેટરમાંનું પરમાફ્રોસ્ટ (બરફનું સ્તર) પીગળતા ‘યાના’ બહાર નીકળી આવ્યું હતું. બટાગાઈકા ક્રેટર 80 મીટર (260 ફૂટ) કરતાં વધુ ઊંડી છે.

મેમથની સૂંઢ મળતા સંશોધકોને આશ્ચર્ય

હાથીના શરીરના અન્ય હિસ્સાની સરખામણીમાં તેની સૂંઢ થોડી નરમ હોય છે, તેથી તેનું અવસાન થાય ત્યારે જીવડાં અને પક્ષીઓ સૌથી પહેલા તેની સૂંઢ જ ખાઈ જતાં હોય છે. યાનાના કેસમાં એની સૂંઢ સલામત મળી આવી હોવાથી સંશોધકો અચરજ પામી ગયા છે. એ જ રીતે બાળ-મેમથનું સારી રીતે સચવાયેલું માથું પણ સંશોધકોને આશ્ચર્ય પમાડી રહ્યું છે.

મહિના અગાઉ મળેલા અવશેષ

રશિયન પરમાફ્રોસ્ટમાંથી પ્રાણીઓના અવશેષો મળી આવવું કોઈ નવી વાત નથી. ગયા મહિને પણ સાઇબેરિયામાંથી સેબર-ટૂથ કેટ(એક પ્રકારની બિલાડી)ના બચ્ચાના અવશેષ મળી આવ્યા હતા, જે અંદાજે 32,000 વર્ષ જૂના છે. 2024 ની શરુઆતમાં 44,000 વર્ષ જૂના વરુના અવશેષ પણ આ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. આ પ્રકારના જીવાવશેષોનો અભ્યાસ ઉત્ક્રાંતિની સમજ પાકી કરવામાં અને પૃથ્વીના સ્તરોની બનાવટ સમજવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવતો હોય છે.

Share This Article