કેનેડામાં ભણવાનું અને પછી નોકરી અને ઘર બધું સેટ થઈ જાય તો યુવાનો પોતાના માતા-પિતા અને પરિવારના સભ્યોને ત્યાં આમંત્રણ આપતા હતા, પરંતુ કેનેડાએ હવે એક એવો નિયમ લીધો છે કે જેના કારણે માતા-પિતા અને દાદીને કાયમ માટે કેનેડા બોલાવવા માગે તેમના પર અસર પડશે. આ નિર્ણયની અસર ભારતીય યુવાનો પર પણ પડશે, કેનેડા દ્વારા વિઝા મામલે સતત નવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ત્યારે આ વખતે લીધેલા નિર્ણયે વધુ એકવાર લોકોને આશ્ચર્યમાં મૂક્યા છે. કેનેડામાં PR મળી ગયા બાદ યુવાનો ત્યાં આગળની લાઈફના પ્લાન બનાવવા લાગતા હોય છે, પરંતુ ટ્રુડો સરકારના નવા નિર્ણયથી પ્લાનમાં કેટલાક ફેરફારો કરવા પડશે.
કેનેડાએ કરેલા ફેરફારો પ્રમાણે વર્ષ 2025માં કેનેડા પીજીપી સ્પોન્સરશિપ પ્રોગ્રામ હેઠળ નવી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. આ પ્રોગ્રામ હેઠળ જ માતા-પિતા અને દાદા-દાદીને યુવાનો કેનેડા આવવા માટે આમંત્રણ આપતા હતા. પીજીપી સ્પોન્સરશિપ પ્રોગ્રામ અંગે કેનેડા દ્વારા જે નિર્ણય લેવામાં આવ્ય છે તેની અસર ભારતીય યુવાનો પર પણ પડશે. કારણ કે તેઓ PR કે સીટિઝનશીપ મળ્યા પછી માતા-પિતાને ત્યાં આવવા માટે આમંત્રણ આપતા હતા.
કેનેડાએ વર્ષ 2025માં પેરેન્ટ્સ અને ગ્રાન્ડપેરેન્ટ્સ એટલે કે માતા-પિતા અને દાદા-દાદીના કેનેડાના PR મેળવી શકતા હતા તેના પર બ્રેક લગાવી દેવામાં આવી છે. ICRCC (ઈમિગ્રેશન રેફ્યુજી એન્ડ સીટીઝનશીપ કેનેડા)એ આ નિર્ણય લઈને જણાવ્યું કે, આ પ્રોગ્રામ હેઠળ 2024માં થયેલા અરજીઓ પર જ ફેમિલી સ્પોન્સરશિપની અરજીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.
જોકે, જેઓ એવું ઈચ્છતા હોય કે તેમના માતા-પિતા કે દાદા-દાદીને લાંબા સમય સુધી કેનેડામાં રાખવા માગે છે તેમની પાસે એક ઉપાય છે પરંતુ તેમાં માત્ર 5 વર્ષ સુધીના વિઝાનો વિકલ્પ મળશે. સુપર વીઝા હેઠળ કેનેડાના નાગરિકો પોતાના માતા-પિતા અને દાદા-દાદીને બોલાવી શકે છે. પરંતુ તેઓ કાયમ માટે PR મેળવી શકતા હતા તેનો લાભ મળશે નહીં.
કેનેડા સરકારની કામગીરી અને લોકોની સમસ્યા અંગે વારંવાર આંગળી ઉઠી રહી છે જેને ધ્યાનમાં રાખીને સ્થાનિકોને નોકરીની વધુ તક મળે અને સંખ્યામાં ઘટાડો થઈ શકે તે માટે કેટલાક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે જેમાં આ એક વધુ નિર્ણય લેવાયો છે. ભારતમાંથી ઘણાં યુવાનો ત્યાં સેટલ થયા બાદ માતા-પિતાને કે દાદા-દાદીને સરળતાથી બોલાવી લેતા હતા પરંતુ હવે તેમાં ફેરફારો થયા છે.