America China Tariff War: ચીન અમેરિકા ટેરિફ યુદ્ધ આખરે ક્યાં જઇને અટકશે તે કોઈ કહી શકે તેમ નથી. ટ્રમ્પે ચીનના માલ ઉપર ૧૪૫ ટકા જેટલો ટેરિફ લગાડયો, તો શુક્રવારે ડ્રેગને ફૂંફાડો મારતાં અમેરિકાના સામાન ઉપર ૧૨૫ ટકા ટેરિફ ઝીંકી દીધો. તેટલું જ નહીં પરંતુ ખુલ્લેઆમ કહી દીધું કે ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય વ્યાપાર નિયમોનો ખુલ્લો ભંગ કર્યો છે.
ચીનની સ્ટેટ કાઉન્સીલ ટેરિફ કમીશને શુક્રવારે એક નિવેદનમાં કહ્યું : અમેરિકાએ જે ટેરિફ લગાડયો છે તે સામાન્ય સમજની બહાર છે. ચીન જણાવે છે કે અમેરિકન માલ ઉપરનો નવો ટેરિફ શનિવાર રાતથી લાગુ થઇ જશે. સાથે અમેરિકાના ટેરિફની મઝાક ઉડાડતાં તેણે જણાવ્યું હતું કે આ તો સીધે સીધી નંબર ગેઇમ છે જે એક દિવસ અજબ બની જશે.
ચીનનાં વાણિજ્ય મંત્રાલયે કહ્યું હતું કે ‘અમેરિકાએ ટેરિફ વધાર્યા પછી ચીને વિશ્વ વ્યાપાર સંગઠન (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) સમક્ષ કેસ દાખલ કરી દીધો છે.’
છેલ્લી માહિતી પ્રમાણે અમેરિકાએ ચીનના માલ ઉપર કુલ ૧૪૫ ટકા ટેરિફ લગાડી દીધો છે. આ સામે ચીને જવાબી કાર્યવાહી કરી અમેરિકાના માલ ઉપર ૮૪ ટકા ટેરિફ લગાડયો હતો. તેમ જ કેટલીક અમેરિકન કંપનીઓના માલની આયાત ઉપર જે પ્રતિબંધ મુક્યો હતો. આ સાથે તેમ પણ કહ્યું કે કોઈ પણ ગુંચ હોય તો તે ઉકેલવા મંત્રણા કરવા અમે તૈયાર છીએ.
ઉલ્લેખનીય છે કે ચીન એક માત્ર તેવો દેશ છે કે જેણે અમેરિકા સામે વળતી કાર્યવાહી કરી હોય.
ડોનાલ્ડ ટ્રમ્પે દરેક દેશો ઉપર ટેરિફ લગાડી દીધો છે. પરંતુ ચીન ઉપર વધુ નારાજ દેખાય છે. ભારત ઉપર પણ વધુ ટેરિફ લગાડવાની તેઓએ વાત કરી છે.
બીજી તરફ ટ્રમ્પે ગુરૂવારે કહ્યું હતું કે ૯૦ દિવસનો વિરામ સમાપ્ત થતાં વ્યાપાર ભાગીદાર દેશોએ ૯ જુલાઈ સુધીમાં અમેરિકા સાથે વાટાઘાટો કરી સમજૂતી સાધવી પરંતુ જેવો તેમ ન કરી શકે તેમની ઉપર અમેરિકા રેસિપ્રોક્સ ટેરિફ લગાડશે.
ટ્રમ્પે બુધવારે જ ૭૫ દેશો ઉપર નવમી એપ્રિલથી લાગુ પડનારો રેસિપ્રોકલ ટેરિફ ૯૦ દિવસ માટે સ્થગિત કર્યો હતો. તે મહ્દઅંશે જેમની સાથે વ્યાપારી અસંતુલન છે તેમને માટે છે.
અમેરિકાએ ચીનથી આયાત થતા માલ ઉપર તુર્ત જ અમલી બને તે રીતે ટેરિફ ૧૨૫ ટકા કરી નાખ્યો હતો. સાથે એપ્રિલથી અમલી થયેલો ૧૦ ટકાનો વધારાનો કર તો ચાલુ જ રહેવાનો છે. જો કે ભારતના મામલામાં ૨૬ ટકા ટેરિફ ઉપરનો વધારાનો કર ૯૦ દિવસ સુધી અટકાવી રખાયો છે.