Australia Election: ઓસ્ટ્રેલિયામાં 3 મેએ ચૂંટણી, આલ્બાની ફરી પીએમ બનશે?

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Australia Election: ઓસ્ટ્રેલિયામાં મે-૩ ના દિવસે ચૂંટણી યોજાવા સંભવ છે, શુક્રવારે વડાપ્રધાન એન્થની આલ્બાનીઝ ગવર્નર જનરલ સામ મોસ્તિને મળ્યા હતા તે પછી પત્રકારો સમક્ષ અલ્બાનીઝે આ જાહેરાત કરી હતી.

ઓસ્ટ્રેલિયામાં હાઉસ-ઓફ- રેપ્રિઝેન્ટેટીવ્સની મુદત ૩ વર્ષની છે. સંસદ ભવનમાં પત્રકારોને સંબોધવા સમગ્ર દેશને પણ કરેલાં સંબોધનમાં તેઓએ રાષ્ટ્ર સમક્ષ રહેલા પડકારોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, અત્યારે વિશ્વભરમાં અનિશ્ચિતતા વ્યાપી રહી છે, તેણે ઉભા કરેલા પડકારોને પહોંચી વળવા સરકાર કટિબદ્ધ છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા પૂર્વે પેસિફિકને સ્પર્શે છે. પશ્ચિમે હિન્દ મહાસાગરને સ્પર્શે છે. બંને મહાસાગરમાં ચીનની વધતી જતી દાદાગીરી ઉપરાંત વિશ્વમાં સૌથી વધુ યુરેનિયમ ધરાવતું હોવાથી ભારત માટે ઓસ્ટ્રેલિયા અત્યંત મહત્વનું છે.

પત્રકારોને કરેલાં સંબોધનમાં તેઓએ કહ્યું હતું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિશ્વે ઓસ્ટ્રેલિયા સામે અનેક પડકારો ઉભા કર્યા છે. પડકારો તો આપણે નિશ્ચિત કરી ન શકીએ, પરંતુ તેનો સામનો કેમ કરવો તે તો નિશ્ચિત કરી શકીએ.

ઓસ્ટ્રેલિયામાં અત્યારે મોંઘવારી, ફુગાવો અને નિવાસસ્થાનોની તંગી તે મુખ્ય પ્રશ્નો છે. વ્યાજ દર પણ ઘણા ઊંચા રહેલા છે. એનર્જી સેક્ટર પણ પડકારરૂપ છે. તેવામાં ભાવ ઉંચકાતા જાય છે. ઈંડાના ભાવમાં ગત વર્ષના પ્રમાણમાં ૧૧ ટકાનો વધારો થયો છે. બીયર ૪ ટકા મોંઘો થયો છે. અન્ય ચીજોમાં તો ૨૦૨૩ના પ્રમાણમાં ૮.૧૨ ટકાનો વધારો થયો છે. ફુગાવો વધતો જાય છે.

ફુગાવાને લીધે કેટલીયે બાંધકામ કંપનીઓ બંધ થઈ ગઈ છે. તેથી રહેણાંકનાં મકાનોની અછત ઉભી થઈ છે. તેથી રહેણાંકનાં મકાનોના ભાવ તેમજ ભાડાં પણ વધી ગયા છે.

સરકારે વિજળી અને ગેસ ઉપરના ટેક્ષમાં ઘટાડો કર્યો છે. એનર્જી બિલ અને ભાડામાં પણ સબસીડી આપવા નિર્ણય કર્યો છે. તો વિશ્લેષણકારો કહે છે કે, સરકારને બિન ઉત્પાદક ખર્ચાઓ કરવા પડે છે. તેથી ફુગાવો નિરંકુશ રીતે વધે છે.

જોકે એનર્જી ક્ષેત્ર વિષે દરેક મોટા પક્ષો સંમત છે કે, ૨૦૫૦ સુધીમાં ઝીરો-એમિશન પ્રાપ્ત કરવું અનિવાર્ય છે.

આવી પરિસ્થિતિમાં અલ્બાનીઝ સરકારને જમણેરી અને રૂઢીચુસ્ત પાર્ટીઓનો સામનો કરવાનો છે. અત્યારે જ તેની પાર્ટીને માત્ર બે સીટની પાતળી બહુમતી છે. ૨૦૨૨માં ૧૯ અપક્ષો વિજયી થયા હતા જે એક રેકોર્ડ છે.

ગત વર્ષ પછી મે મહીનામાં યોજાનારી આ ચૂંટણીમાં કે તે પછી અલ્બાનીઝને અપક્ષોનો સાથ લેવો પડે તેવી પૂરી સંભાવના દેખાઈ રહી છે.

Share This Article