Boycot USA campaign અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર નાખેલા ટેરિફને કારણે વિશ્વમાં ટ્રેડ વોર શરૃ થઇ ગયું છે. આ સાથે જ સમગ્ર વિશ્વમાં અમેરિકાની વસ્તુઓ વિરુદ્ધ ‘બોયકોટ યુએસએ’ અભિયાન પણ શરૃ થઇ ગયું છે.
છેલ્લા સાત દિવસમાં ગુગલ પર બોયકોટ યુએસએ અભિયાનએ જોર પક્ડયુ છે. યુરોપના દેશો અને કેનેડામાં આ અભિયાન ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. અન્ય દેશો પણ અમેરિકાની વસ્તુઓનો બહિષ્કાર કરવા માટે ફેસબુક પર ગુ્રપ બનાવી રહ્યાં છે.
ટ્રમ્પની ડેનમાર્કના ગ્રીનલેન્ડ કબજે કરવાની ઇચ્છાને કારણે પણ યુરોપમાં અમેરિકા સામે વિરોધ વધી રહ્યો છે. ડેનમાર્કના ફેસબુક ગુ્રપના ૭૩૦૦૦ સભ્યો છે. આ ગુ્રપ અમેરિકન વસ્તુઓના બહિષ્કાર અંગે અભિયાન ચલાવી રહ્યું છે.
સ્વીડનના ગુ્રપમાં ૮૦,૦૦૦ સભ્યો છે. આ ગુ્રપ બોયકોટ યુએસએ અંગેં ચોથુ સૌથી મોટું અભિયાન છે. આ દરમિયાન ફ્રાન્સે પણ ‘બોયકોટ યુએસએ ઃ બાય ફ્રેન્ચ એન્ડ યુરોપિયન’ નામની પણ રચના કરી છે.
ફ્રાન્સના આ ગુ્રપમાં ૨૦,૦૦૦ સભ્યો છે અને ગુગલ પર તેનો ત્રીજો ક્રમ છે. કેનેડાએ પણ બોયકોટ અમેરિકા પેજની રચના કરી છે અને તેનો ગુગલ પર પાંચમો ક્રમ છે.
ઉલ્લેખનીય છે કે કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના વડા ડોગ ફોર્ડે ઇલોન મસ્કની સ્ટારલિંક સાથે ૧૦ કરોડ ડોલરનો કરાર રદજ કર્યો છે. આ ઉપરાંત કેનેડાના સાત પ્રાંતોએ અમેરિકામાં નિર્મિત દારૃનો બહિષ્કાર કર્યો છે.
ગયા મહિને કેનેડામાં ૩૩૧૦ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ૯૮ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ કેનેડામાં નિર્મિત વસ્તુઓ ખરીદી રહ્યાં છે.
અમેરિકાના ટ્રાવેલ એસોસિએશનના જણાવ્યા અનુસાર કેનેડાના લોકોના અમેરિકન પ્રવાસમાં ૧૦ ટકાનો ઘટાડો થયો છે. જેના કારણે અમેરિકાના પ્રવાસ ઉદ્યોગને ૨.૧ અબજ ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે અને ૧૪૦૦૦ લોકોની નોકરી સામે ખતરો ઉભો થઇ શકે છે.
બીજી તરફ સમગ્ર વિશ્વમાં ટેસ્લાની કારોના વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જર્મનીમાં ગયા વર્ષના જાન્યુઆરીની સરખામણીમાં ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ટેસ્લાના વેચાણમાં ૭૦ ટકાનો ઘટાડો થયો છે.
યુરોપમાં જાન્યુઆરી, ૨૦૨૫માં ટેસ્લાની ફક્ત ૭૫૧૭ કારો વેચાઇ છે. જે ગયા વર્ષના જાન્યુઆરીની સરખામણીમાં ૫૦ ટકા ઓછી છે. ટેસ્લાની કારોનું વેચાણ પોર્ટુગલમાં ૫૦ ટકા, ફ્રાન્સમાં ૪૫ ટકા, સ્વીડનમાં ૪૨ ટકા અને નોર્વેમાં ૪૮ ટકા ઘટયું છે.