Canada News: કેનેડામાં પાછલા કેટલાક સમયથી ઈમિગ્રેશન મામલે સતત નિયમો બદલવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં જે યુવાનો ત્યાં ભણવા કે નોકરી કરવા માટે ગયા છે તેમના માટે તકલીફો વધી રહી છે. આવી સ્થિતિમાં કેનેડા ગયેલા ઘણાં ગુજરાતીઓ લોકોને મદદ થાય તેવા કામ પણ કરી રહ્યા છે. જેમાંથી એક નામ હેમંત શાહ છે કે જેમને ભારતીયો કેનેડામાં મોટાભાઈ તરીકે ઓળખે છે, તેઓ કેનેડાની સ્થિતિથી યુવાનો વાકેફ રહે તે માટે સતત પ્રયત્નો કરતા રહે છે, કેનેડામાં હેલ્થ કેરની ધીમી ગતિની કામગીરી વચ્ચે તેમને એક મહત્વની જવાબદારી સરકારી હોસ્પિટલ દ્વારા સોંપવામાં આવી છે.
હેમંત શાહ 5 દાયકાથી કેનેડામાં રહે છે, તેઓ કહે છે કે ભારત મારી માતૃભૂમિ છે અને મોનિટોબા પ્રોવિન્સનું વિનિપેગ મારી કર્મભૂમિ છે, તેઓ કેનેડા અને ભારતના વેપાર, સંબંધો, ટ્રેડ સહિતના ક્ષેત્રમાં કામ કરી ચૂક્યા છે. આવામાં તેમને 135 વર્ષ જૂની વિનિપેગની સેન્ટ બોનિફેસ હોસ્પિટલના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં પહેલા ગુજરાતીની વરણી કરવામાં આવી છે.
હેમંત શાહ સેન્ટ બોનિફેસ હોસ્પિટલને પોતાના માટે રી-બર્થ પ્લેસ ગણાવે છે, એટલે કે તેઓ માને છે કે આ હોસ્પિટલમાંથી તેમનો પુનઃજન્મ થયો છે. આજથી સાડા ત્રણ વર્ષ પહેલા હેમંત શાહને સિવિયર હાર્ટ એટેક આવ્યો હતો અને આ હોસ્પિટલમાં તેમને સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને એક મહિનાની સારવાર બાદ રજા મળી હતી.
જે હોસ્પિટલમાંથી તેમને નવો જન્મ મળ્યો ત્યાં આવનારા દર્દીઓને મદદ થઈ શકે તે માટે હેમંત શાહે વોલેન્ટિયર બનીને થઈ શકતી મદદ કરવાનું શરુ કર્યું, જેમાં તેમણે ફન્ડ રેઈઝિંગની કામગીરી પણ કરી હતી. આ જોઈને હોસ્પિટલ દ્વારા તેમનો બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સ્થાન લેવા માટે જણાવવામાં આવ્યું હતું.
કેનેડામાં હેલ્થકેરનો પ્રશ્ન ગંભીર બની રહ્યો છે, આવી સ્થિતિમાં મોટાભાઈ કેનેડામાં ભારતની મદદથી સ્વાસ્થ્ય સેવામાંઓ કઈ રીતે સુધાર થઈ શકે છે તે અંગે પણ વિચાર કરી રહ્યા છે. જેમાં મુંબઈ અને ગુજરાતથી હેલ્થકેર ટીમ એક્સ્ચેન્જની કામગીરી કઈ રીતે થઈ શકે તે દિશામાં કામ કરવા માગે છે.