Cory Booker 25-hour speech: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિરૂદ્ધ ન્યુ જર્સીના અશ્વેત સેનેટર ડેમોક્રેટ કોરી બુકરે સેનેટમાં નોનસ્ટોપ ૨૫ કલાક અને પાંચ મિનિટ સુધી ભાષણ આપી યુએસમાં સૌથી લાંબા ભાષણનો ૧૯૫૭નો સેનેટર સ્ટોર્મ થર્મંડનો સાત દાયકા જુનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. કોરી બુકરે સોમવારે સાંજે ૬.૫૯ વાગ્યે તેનું ભાષણ શરૂ કર્યું હતું જે મંગળવારે રાત્રે ૮.૦૫ મિનિટે પુરૂ થયું હતું. કોરીના આ ભાષણને ભૂતપૂર્વ ઉપપ્રમુખ કમલા હેરિસ તથા અન્ય સાથી ડેમોક્રેટ સેનેટર્સ દ્વારા વધાવી લેવામાં આવ્યું હતું જ્યારે રિપબ્લિકન્સ સેનેટર્સે તેને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યું હતું.
સેનેટના નિયમો અનુસાર ભાષણ દરમિયાન સેનેટર બ્રેક લઇ શકતો નથી કે રેસ્ટ રૂમનો ઉપયોગ કરી શકતો નથી
ટ્રમ્પે અમેરિકાનું પ્રમુખપદ સંભાળ્યા બાદ માત્ર ૭૧ દિવસોમાં જાતજાતના નિર્ણયો લઇને અમેરિકન લોકતંત્રના પાયાને મોટું નુકશાન પહોંચાડયું હોવાનું કોરીએ તેના ભાષણમાં જણાવ્યું હતું. ડેમોક્રેટ સેનેટર કોરી બુકરે જણાવ્યું હતું કે હું આજે રાતે પણ ઉભો છું તેનું કારણ એ છે કે હું ઇમાનદારીથી માનું છું કે આપણો દેશ સંકટમાં છે.
સેનેટના નિયમો અનુસાર સેનેટરે ભાષણ આપતી વખતે હમેંશા ઉભા રહેવું પડે છે અને સતત બોલવું પડે છે. ભાષણ દરમ્યાન બેસવાની મનાઇ છે અને પોતાના ભાષણ દરમ્યાન સેનેટર બ્રેક લઇ શકતો નથી કે રેસ્ટ રૂમનો પણ ઉપયોગ કરી શકતો નથી. બુકરે આ તમામ નિયમોનું કડક પાલન કરી સૌથી લાંબા ભાષણનો વિક્રમ કર્યો હતો. આ અવિરત ભાષણ આપવા માટે બુકર ઘણાં દિવસથી ઉપવાસ પર હતો અને ભાષણની આગલી રાતથી તેણે કોઇપણ પ્રકારના પ્રવાહીને પીવાનું બંધ કરી દીધું હતું. જો કે, રાતના સમયે સેનેટમાં કોઇ મોજૂદ નહોતું તો પણ બુકરે એકલાં ઉભાં રહીને પોતાનું ભાષણ કર્યે રાખ્યું હતું. આ સમયે સંસદના અધ્યક્ષ, થોડાં કલાર્ક અને થોડાં સુરક્ષા કર્મચારીઓ જ હાજર હતા. આ ભાષણ વખતે સેનેટ ફલોર સ્ટાફ અને અમેરિકન કેપિટલ પોલીસને ગૃહમાં હાજર રહેવાની તાકીદ કરવામાં આવી હતી. બુકરને ભાષણ દરમ્યાન શ્વાસ લેવાનો સમય મળી રહે તે માટે સાથી ડેમોક્રેટ દ્વારા તેમને સવાલો પૂછવામાં આવ્યા હતા.
બુકરે સતત એક પગ પરથી બીજા પગ પર વજન સંતુલિત કરી પોડિયમ પર ઝુકી થાકથી બચતાં રહ્યા હતા. બુકરે પોતાના મેરેથોન ભાષણમાં ટ્રમ્પની વિદેશ નીતિ, આરોગ્ય યોજનામાં કાપ મુકવાની યોજના, ઇલન મસ્કના ડોજેના કામકાજની ટીકા તથા વર્ણભેદ, વોટિંગના અધિકાર અને આર્થિક અસમાનતાના મુદ્દાઓને આવરી લઇ તેના વિશે લાંબું પ્રવચન આપ્યું હતું.