Dominican Republic Roof Collapse: ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સાન્ટો ડોમિંગોમાં એક નાઈટક્લબની છત ધરાશાયી થતાં 184ના મૃત્યુ થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. મંગળવાર (આઠમી એપ્રિલ) રાત્રિ દરમિયાન સાન્ટો ડોમિંગોના જેટ સેટ નાઇટક્લબ ગાયકો, સંગીત ચાહકો, રમતવીરો અને સરકારી અધિકારીઓથી ભરેલું હતું. મેરેંગ્યુ ગાયિકા રૂબી પેરેઝ સ્ટેજ પર પરફોર્મ કરી રહી હતી ત્યારે નાઈટક્લબની છત પરથી સિમેન્ટ પડવાનું શરૂ થયું અને થોડીવારમાં જ આખી છત તૂટી પડી હતી.
કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધવામાં આવી રહ્યા
અહેવાલો અનુસાર, છત તૂટી પડતાં ડાન્સ ફ્લોર પર નાચતા ઓછામાં ઓછા 184 લોકો માર્યા ગયા હતા, જ્યારે ડઝનબંધ લોકો કાટમાળ નીચે દટાયા હતા. ઇમરજન્સી ઓપરેશન્સ ડિરેક્ટર મેન્યુઅલ મેન્ડેઝે જણાવ્યું હતું કે, ‘બચાવ ટીમ કાટમાળમાંથી એવા લોકોની શોધ કરી રહી છે જે હજુ પણ જીવિત હોઈ શકે છે. અમે કાટમાળ નીચે દબાયેલા લોકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં ફક્ત 54 લોકોની ઓળખ થઈ છે.’
નાઈટક્લબની છત ધરાશાયી કારણ હાલમાં સ્પષ્ટ નથી. જેટ સેટ નાઈટક્લબ બિલ્ડિંગનું છેલ્લે ક્યારે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તે અંગે પણ કોઈ માહિતી નથી. ડોમિનિકન રિપબ્લિકના પ્રમખ લુઈસ અબિનાડેરે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે.