Donald Trump and Elon Musk News: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે બોલાચાલીનો મામલો હજુ શાંત થયો નથી ત્યાં હવે વ્હાઇટ હાઉસ ખાતે ઉચ્ચ સ્તરીય કેબિનેટ બેઠક દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ટ્રમ્પના અબજોપતિ સલાહકાર ઈલોન મસ્ક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઇ હતી.
ટ્રમ્પે દખલગીરી કરીને મામલો પતાવ્યો
આ ઘટનાને કારણે ટ્રમ્પ વહીવટીતંત્રમાં ઊંડા સ્તરે ફેલાઈ ગયેલા મતભેદો ખુલ્લા પાડ્યા. આ ઝઘડો ત્યારે થયો જ્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના મંત્રીમંડળ સાથે બેઠક કરી રહ્યા હતા. આખરે તેમણે પોતે જ દરમિયાનગીરી કરવી પડી અને પછી મામલો થાળે પાડ્યો હતો.
ઈલોન મસ્કે કર્યો કટાક્ષ
આ તણાવની સ્થિતિ ઘણા અઠવાડિયાથી જોવા મળી રહી હતી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં મસ્ક અને વિદેશમંત્રી વચ્ચે ઉગ્ર દલીલ થતાં અચાનક મામલો વધી ગયો હતો. હકીકતમાં, મસ્ક સરકારી ખર્ચમાં મોટા પાયે કાપ મૂકવાના પ્રબળ સમર્થક રહ્યા છે અને તેમણે રુબિયો પર તેમના વિભાગમાં પૂરતી છટણી ન કરવાનો આરોપ લગાવ્યો હતો. મસ્કે આ દરમિયાન રુબિયો પર કટાક્ષમાં પણ કહ્યું કે “તમે કોઈને કાઢી મૂક્યા નથી, વિદેશ મંત્રાલયે બિનજરૂરી રીતે મોટું બનાવી રાખ્યું છે”.
રુબિયોએ પણ કટાક્ષમાં આપ્યો જવાબ
ત્યારે મસ્કના કટાક્ષ સામે રુબિયોએ વળતો પ્રહાર કરતા કહ્યું કે અમારા વિભાગના 1,500 કર્મચારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ (બાયઆઉટ) લઈ લીધી છે. રુબિયોએ આ સાથે કટાક્ષમાં મસ્કને પૂછ્યું કે શું તમે આ લોકોને ફરીથી નોકરી પર રાખવા માંગો છો કે જેથી તેમને દેખાડા માટે કાઢી શકાય. જોકે રુબિયોના આવા જવાબથી મસ્ક અસંતુષ્ટ જણાયા હતા.
ટ્રમ્પે કોને કર્યો ટેકો
અહેવાલો અનુસાર રુબિયો અને ઇલોન વચ્ચે લાંબા સમય સુધી દલીલબાજી ચાલુ રહી, ત્યારબાદ ટ્રમ્પે દરમિયાનગીરી કરી. ટ્રમ્પે રુબિયોની તરફેણ કરતા કહ્યું કે તમે “શાનદાર કામ” કરી રહ્યા છો અને તમારી સે ઘણી જવાબદારીઓ છે. ટ્રમ્પના આવા નિવેદનથી એવા સંકેત મળી રહ્યા છે કે મસ્કની વધુ પડતી આક્રમક નીતિઓને હવે લગામ લગાવવામાં આવી શકે છે.