Donald Trump And Tariff News: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે ભારત સહિત દુનિયાના બધા જ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ નાંખીને ‘ટેરિફ યુગ’ની શરૂઆત કરશે. જોકે, આ પહેલાં ટ્રમ્પે દાવો કર્યો કે ભારત અમેરિકન વસ્તુઓ પરના ટેરિફમાં મોટો કાપ મૂકવા જઈ રહ્યો છે. કોઈએ આવું ઘણા સમય પહેલાં કેમ કર્યું નહીં અને ભારત પણ કેમ છેક હવે ટેરિફ ઘટાડવા તૈયાર થઈ ગયું છે તેવો સવાલ ટ્રમ્પે કર્યો હતો. બીજીબાજુ વાણિજ્ય મંત્રાલયે કહ્યું છે કે ભારત રેસિપ્રોકલ ટેરિફની અર્થતંત્ર પર પડનારી અસરોનું મૂલ્યાંકન કરી રહ્યું છે. ટ્રમ્પે એકદમ ચોખ્ખી વાત કરતાં કહ્યું કે બે એપ્રિલથી ટેરિફ લાગુ થઈ જશે. આ વખતે કોઈને દેશને રાહત મળવાની નથી. તેમના આ નિવેદનથી ભારતની આશાઓ પર પાણી ફરતું દેખાઈ રહ્યું છે.
અમેરિકન ટેરિફની ભારતમાં સેક્ટર મુજબ અલગ અલગ અસર થશે, સ્થાનિક ઉદ્યોગ-નિકાસકારો ચિંતિત
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, મારું માનવું છે કે અનેક દેશો તેમના ટેરિફમાં ઘટાડો કરશે, કારણ કે તેમણે વર્ષોથી અયોગ્ય રીતે અમેરિકા પર ઊંચા ટેરિફ નાંખ્યા હતા. યુરોપીયન યુનિયને અમેરિકામાં બનેલી કાર્સ પરના ટેરિફમાં 2.5 ટકાનો સુધીનો ઘટાડો કરી દીધો છે. ભારત પણ તેના ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવાનું છે તેવું મેં સાંભળ્યું છે. કોઈએ પહેલાં કેમ આવું કર્યું નહીં.
ટ્રમ્પને સવાલ કરવામાં આવ્યો કે તેમના ટેરિફ લાગુ થવાથી અન્ય દેશો ચીન તરફ નહીં જાય. જવાબમાં ટ્રમ્પે કહ્યું કે એવું નહીં થાય. તેના બદલે બધા દેશ ટેક્સ અંગે સારી નીતિ બનાવી શકશે. અત્યારે આ પોલિસીમાં સમાનતા નથી. જોકે, આ કેવી રીતે થશે તે અંગે ડોનાલ્ડ ટ્રમ્પ કશું કહી શક્યા નહીં.
પ્રમુખ ટ્રમ્પની ટીપ્પણીના થોડા કલાકો પહેલાં જ વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે, ભારતે અમેરિકન કૃષિ ઉત્પાદનો પર ૧૦૦ ટકા ટેરિફ નાંખ્યો છે. અન્ય દેશોએ અમેરિકન ઉત્પાદનો પર ઊંચા ટેરિફ નાંખ્યા હોવાના કારણે અમેરિકન ઉત્પાદનો માટે તેમના દેશોમાં વેપાર કરવો મુશ્કેલ બની ગયો છે.
દરમિયાન વાણિજ્ય મંત્રાલય અમેરિકન ટેરિફથી અર્થતંત્ર પર થનારી સંભવિત અસરોનું મૂલ્યાંકન કરી રહ્યું છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ભારત અને અમેરિકા વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા દ્વિપક્ષીય કરાર પર કામ કરી રહ્યા છે. અમેરિકન ટેરિફના કારણે વૈશ્વિક બજારમાં ભારતનો સામાન બિનસ્પર્ધાત્મક બની શકે છે તેવી ચિંતા સ્થાનિક ઉદ્યોગો અને નિકાસકારોએ વ્યક્ત કરી છે. અમેરિકાના ટેરિફની અલગ અલગ સેક્ટર પર અલગ અલગ હશે અને મંત્રાલય વિવિધ પરિસ્થિતિઓ માટે તેના પર કામ કરી રહ્યું છે.
બીજીબાજુ ચીનના સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા સાથે મળીને અમેરિકન ટેરિફનો જવાબ આપવા માટે તૈયાર છે. ત્રણેય દેશ સપ્લાય ચેઈન સહયોગ મજબૂત બનાવવા અને નિકાસ નિયંત્રણો પર વધુ વાતચીત કરવા માટે સહમત થયા છે. ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા વચ્ચે પાંચ વર્ષમાં પહેલી વખત રવિવારે યોજાયેલી બેઠક પછી ચીને આ દાવો કર્યો છે. રવિવારની બેઠકમાં પ્રાદેશિક વેપારને સુવિધાજનક બનાવવા પર ચર્ચા થઈ હતી. જોકે, ચીનના આ દાવાને જાપાન અને દક્ષિણ કોરિયાએ નકારી કાઢ્યો હતો.