Donald Trump issues big warning to Iran : છેલ્લા ઘણા વર્ષોથી દેશો વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે, એક તરફ જ્યાં રશિયા અને યુક્રેન તથા ઈઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે શાંતિના પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યાં બીજી તરફ ટ્રમ્પની ધમકીના કારણે વધુ એક યુદ્ધના ભણકારા શરૂ થઈ ગયા છે.
ટ્રમ્પની ઈરાનને ધમકી
અમેરિકા અને ઈરાન વચ્ચે સંબંધો કેવા છે એ કોઈનાથી છૂપાયેલા નથી. એવામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા કહ્યું છે કે જો તે ન્યુક્લિયર ડીલ પર સહમત નહીં થાય તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રમ્પે ઈરાનની ધમકી આપી છે કે જો ન્યુક્લિયર ડીલ નહીં થાય તો અમેરિકા ઈરાન પર એવી બોમ્બવર્ષા કરશે જે પહેલા ક્યારેય નહીં જોઈ હોય, સાથે સાથે ટેરિફ પણ લગાવવામાં આવશે. જે બાદ વોશિંગ્ટન અને તેહરાન વચ્ચેનો તણાવ વધી ગયો છે. નોંધનીય છે કે અગાઉ માર્ચ મહિનામાં ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈને પત્ર લખી ચેતવણી આપી હતી કે નવેસરથી વાતચીત નહીં કરો તો સૈન્ય ટકરાવ થશે.
અમેરિકાની ધમકીઓ બાદ ઈરાને પોતાની મિસાલો લોન્ચ મોડમાં તૈયાર રાખવાના આદેશ આપ્યા છે. ઈરાની ન્યૂઝ એજન્સીઓ દ્વારા દાવો કરાયો છે કે ઘણી બધી મિસાઈલો લોન્ચર પર લોડ કરી દેવામાં આવી છે. જેનો અર્થ થાય છે કે માત્ર એક આદેશ અપાતાં જ મિસાઈલો લોન્ચ થઈ જશે.
ઈરાને ટ્રમ્પનો પ્રસ્તાવ ફગાવ્યો
જોકે ટ્રમ્પની ચેતવણીથી ઈરાનને ફરક પડતો હોય તેવું લાગતું નથી. ઈરાનના સર્વોચ્ચ નેતાએ કહ્યું છે કે ધમકી આપતી સરકારો સાથે ઈરાન વાતચીત નહીં કરે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયને પણ ઈરાનના સર્વોચ્ચ નેતાને પત્ર લખીને જણાવ્યું છે કે તેહરાન ક્યારેય વોશિંગ્ટન સાથે સીધી વાતચીત નહીં કરે. ઈરાનની સંસદના સ્પીકર ગલીબાફે કહ્યું છે કે જો અમેરિકા ઈરાનને ધમકાવશે તો એ પણ સમજી લે બોમ્બના ઢગલા પર બેઠા છો. ઈરાન પર હુમલો થયો તો અમેરિકા અને તેના સહયોગીઓએ સમગ્ર વિસ્તારમાં અસુરક્ષા વેઠવી પડશે.
નોંધનીય છે કે 2018માં અમેરિકાએ જ સમજૂતી રદ કરીને ઈરાન પર વિવિધ પ્રકારના પ્રતિબંધ લગાવ્યા હતા. ઈરાન સાથે વેપાર કરતાં અન્ય દેશો તથા કંપનીઓ પર પણ અમેરિકા દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. અમેરિકાએ ઈરાનને આંતરરાષ્ટ્રીય વિત્ત પ્રણાલીથી અલગ કરવા માટે ખૂબ પ્રયાસ કર્યા છે.
ઈઝરાયલ પણ ઈરાન પર હુમલો કરી શકે
નોંધનીય છે કે 1979માં ઈરાની ક્રાંતિ બાદથી જ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો હતો. 1980 બાદથી જ બંને દેશો વચ્ચે કોઈ સત્તાવાર ડિપ્લોમેટિક સંબંધ નથી. 1995માં અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધ લગાવવાની શરૂઆત કર કરી હતી. આટલું જ નહીં હવે તો અમેરિકાએ ઈઝરાયલને ઈરાન તથા તેના સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો અધિકાર આપી દીધો છે. ઈઝરાયલ પાસે હવે અધિકાર છે કે તે અમેરિકાને પૂછ્યા વિના ઈરાન પર હુમલો કરી શકે છે. જેના કારણે પણ યુદ્ધની સંભાવનાઓ વધી ગઈ છે.