Donald Trump Mocks World Leaders: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત વિશ્વના ઘણો દેશો પર ટેરિફ બોમ્બ ફોડીને વિશ્વભરના બજારોમાં હડકંપ મચાવી દીધો છે. 104 ટકા ટેરિફથી ચીન પર સૌથી મોટો માર પડ્યો છે. હવે ટ્રમ્પે પોતાના તીખા અંદાજમાં વૈશ્વિક નેતાઓની મશ્કરી કરી છે. તેમણે કહ્યું કે, ‘આ દેશો મને કોલ કરીને કહી રહ્યા છે કે પ્લીઝ સર ડીલ કરી લો, ઘણા દેશો ચાપલુસી પર ઉતરી આવ્યા છે, જેથી અમેરિકા સાથે ટ્રેડ ડીલ થઈ શકે.’
ટ્રમ્પનું ફરી ખૂંચે એવું નિવેદન
ટ્રમ્પ હાઉસ રિપબ્લિકનના એક ફંડરેજિંગ ગાલાને સંબોધિત કરી રહ્યા હતા. ટ્રમ્પે પોતાના ભાષણમાં કેટલાક દેશોના નેતાઓની નકલ કરતા કહ્યું કે, ‘પ્લીઝ, પ્લીઝ સર ડીલ કરી લો. હું કંઈ પણ કરીશ, કંઈ પણ સર.’ તેમનો ઈશારો એવા દેશો તરફ હતો જેઓ અમેરિકાના વધતા ટેરિફથી પરેશાન છે અને સમાધાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ નિવેદન પહેલાં વ્હાઈટ હાઉસે પુષ્ટિ કરી હતી કે, 9 એપ્રિલથી ચીન પર લાગતા ટેરિફમાં 104% વધારો કરવામાં આવી રહ્યો છે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, જો ચીન મંગળવાર સુધીમાં તેના 34%ના જવાબી ટેરિફને નહીં હટાવશે તો અમેરિકા તેના ટેરિફમાં વધુ 50%નો વધારો કરશે. એક અધિકારીએ જણાવ્યું કે, આ ટેરિફ વધારો નક્કી સમય પર લાગુ કરવામાં આવશે.
ફાર્મા સેક્ટરમાં પણ ટેરિફ લગાવાશે
પોતાના સંબોધનમાં ટ્રમ્પે એવી પણ જાહેરાત કરી છે કે, ફાર્મા સેક્ટર પર ટૂંક સમયમાં ભારે ટેરિફ લાદવામાં આવશે. તેમણે કહ્યું કે, ‘અમે અમારી ફાર્મા દવાઓ ખુદ નથી બનાવતા, તે અન્ય દેશોમાં બને છે. અમેરિકામાં તે જ દવા 10 ગણી મોંઘી વેચાય છે. તેથી જ અમે ફાર્મા પર એવો ટેરિફ લાદીશું કે કંપનીઓ ચીન અને અન્ય દેશો છોડીને અમેરિકામાં પોતાના પ્લાન્ટ સ્થાપશે.’
ટ્રમ્પે એ રિપબ્લિકન નેતાઓ પર પણ કટાક્ષ કર્યો જેઓ ઈચ્છે છે કે કોંગ્રેસ વેપાર વાટાઘાટોમાં હસ્તક્ષેપ કરે. ટ્રમ્પે કહ્યું કે, કોંગ્રેસ મારી જેમ વાટાઘાટો ન કરી શકે.’
નવી ટેરિફ નીતિથી
આ અગાઉ એપ્રિલની શરૂઆતમાં ટ્રમ્પે ભારત, ચીન, બ્રાઝિલ, જાપાન અને યુરોપિયન યુનિયનથી થતી તમામ આયાત પર નવા ટેરિફની જાહેરાત કરી હતી. હવે ફાર્મા સેક્ટરને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. આ નીતિઓને કારણે વૈશ્વિક બજારોમાં અસ્થિરતા અને સાથી દેશોમાં ચિંતા વધી ગઈ છે.