Donald Trump On Tariff: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિવિધ દેશો પર ટેરિફ લાદતાં જ વિશ્વભરમાં ટ્રેડવૉર અને આર્થિક મંદીનું સંકટ વધ્યું છે. વૈશ્વિક શેરબજારો કડડભૂસ થયા છે. તેમ છતાં ટ્રમ્પ ટસના મસ નથી થયાં. તેમણે સ્પષ્ટતા કરી દીધી કે,મને કોઈ ફરક પડતો નથી.ભૂતકાળથી થઈ રહેલા અસંતુલિત વેપારમાં સંતુલન સ્થાપિત કરવા આ કાર્યવાહી જરૂરી છે.
ટ્રમ્પની ટેરિફ પોલિસીને લીધે એશિયન શેરબજારો 10 ટકા, યુરોપિયન અને અમેરિકન શેરબજાર 6 ટકા સુધી તૂટ્યા છે. માર્કેટમાં એક દિવસીય મોટા કડાકા પર સ્પષ્ટતા આપતાં ટ્રમ્પે કહ્યું કે, ‘હું નથી ઈચ્છતો કે, કંઈપણ તૂટે, પરંતુ અમુક વખત અમુક વસ્તુઓને ઠીક કરવા માટે દવા (ટેરિફ)ની જરૂર પડે છે. અમેરિકાની વર્ષોથી નુકસાની ભોગવી રહેલી આર્થિક ગતિવિધિઓને ઠીક કરવા માટે ટેરિફ દવાની જેમ કામ કરશે. અન્ય દેશો દ્વારા અમારી સાથે ખૂબ ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો, અમારું નેતૃત્વ જ નકામા લોકો કરી રહ્યા હતા, જેઓએ આ બધુ ચાલવા દીધું. પણ હવે નહીં.’
ટેરિફ પર પીછે હટ નહીં
ટ્રમ્પે શેરબજારમાં મોટું નુકસાન, આર્થિક મંદી, ફુગાવાની ભીતિની આશંકાઓ પર ટેરિફ મામલે પીછે હટ નહીં કરવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે, માર્કેટમાં શુ ચાલી રહ્યું છે, તે કહી શકીશ નહીં. પરંતુ અમારો દેશ મજબૂત છે. અમારી સરકાર વેપાર ખાધને સંબોધિત કરવા પ્રતિબદ્ધ છે. બેઈજિંગ સાથે અમે વાટાઘાટો કરવા તૈયાર છીએ. જેનાથી અસંતુલિત વેપાર મુદ્દાને ઉકેલીશું. અમે મુદ્દો ઉકેલી શકીશું. ટ્રમ્પે યુરોપિયન અને એશિયન દેશો સાથે પણ ટેરિફ મુદ્દે વાટાઘાટો થઈ રહી હોવાનું જણાવ્યું હતું.
શેરબજારોમાં કડાકો
યુએસ કસ્ટમ એજન્ટ્સે અનેક દેશોમાંથી આયાત થતી તમામ પ્રોડક્ટ્સ પર 10 ટકા યુનિલેટરલ ટેરિફ વસૂલવાની શરૂઆત કરી દીધી હતી. બાદમાં રેસિપ્રોકલ ટેરિફના કારણે ચાર એપ્રિલના રોજ ડાઉ જોન્સ 5.50 ટકા, નાસડેક 5.82 ટકા તૂટ્યો હતો. આજે યુરોપિયન બજારોમાં પણ 6 ટકા સુધીનો કડાકો નોંધાયો હતો. ભારતીય શેરબજારમાં સેન્સેક્સમાં 4000 પોઈન્ટના કડાકા સાથે રોકાણકારોએ 20 લાખ કરોડની મૂડી ગુમાવી છે. સાર્વત્રિક ધોરણે કોવિડ મહામારી જેવો મંદીનો માહોલ સર્જાયો છે.