Donald Trump Tariff news: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકાને ટેરિફ વૉરથી ફાયદો થઈ રહ્યો છે અને દરરોજ લગભગ 2 બિલિયન ડૉલર એટલે કે લગભગ 17200 કરોડ રૂપિયાની આવક થઇ રહી છે. જોકે ટ્રમ્પે આવકમાં વધારો કરવાના તેમના દાવાની પુષ્ટી કરતી કોઈ માહિતી આપી ન હતી.
વ્હાઈટ હાઉસમાં સંબોધન
વ્હાઇટ હાઉસથી સંબોધન કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘ અમેરિકાને દરરોજ લગભગ 2 બિલિયન ડૉલર ટેરિફ તરીકે મળી રહ્યા છે… અને અમે ખૂબ સારું કરી રહ્યા છીએ, હું તો આને ટેલર્ડ ડીલ ગણાવીશ.’ અત્યારે જાપાન અહીં ડીલ કરવા આવી રહ્યું છે, દક્ષિણ કોરિયા અહીં ડીલ માટે તૈયાર છે અને અન્ય દેશો પણ તૈયારી બતાવી રહ્યા છે. જોકે ટ્રમ્પે તેમના દાવાઓને સમર્થન આપે તેવી કોઈ માહિતી આપી ન હતી.
અહેવાલ અનુસાર, ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના તેના સામાન્ય ખાતા, ફેડરલ સરકારના મુખ્ય કાર્યકારી ખાતામાં જમા અને ઉપાડના દૈનિક સ્ટેટમેન્ટ દર્શાવે છે કે ચાલુ મહિને અત્યાર સુધીમાં કસ્ટમ્સ અને ચોક્કસ એક્સાઇઝ ટેક્સ ડિપોઝિટ સરેરાશ 200 મિલિયન ડૉલર પ્રતિ દિવસ થયા છે. ફેબ્રુઆરી મહિના દરમિયાન ટ્રેઝરીએ કસ્ટમ ડ્યુટીમાંથી આશરે 7.25 બિલિયન ડૉલરની કમાણી કરી. માર્ચ મહિનાનું માસિક બજેટ સ્ટેટમેન્ટ ગુરુવારે જાહેર થવાની ધારણા છે, જેમાં નવા માસિક આંકડા દર્શાવવામાં આવશે.
185 દેશોના ઉત્પાદનો પર ટેરિફ
ઉલ્લેખનીય છે કે 2 એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે 185 દેશો અને પ્રદેશોના ઉત્પાદનો પર ટેરિફની જાહેરાત કરી હતી. બેઝલાઇન 10% ટેરિફ 5 એપ્રિલથી અમલમાં આવ્યો હતો, જ્યારે વ્યક્તિગત ટેરિફ 9 એપ્રિલથી અમલમાં આવશે.