Fed Says Tariffs will hit US economy: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ થયેલા ટેરિફવૉરના કારણે અનેક ઈન્ડસ્ટ્રી પર પ્રતિકૂળ અસરો જોવા મળી છે. ટ્રમ્પની ટેરિફ પોલિસીની વિશ્વ જ નહીં પણ તેમના દેશના લોકો જ ટીકા કરી રહ્યા છે. અમેરિકાની સેન્ટ્રલ બેન્કે પોતે જ ટ્રમ્પની આ રણનીતિની ટીકા કરતાં સવાલો કર્યા હતાં. ફેડ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલે ટ્રમ્પના ટેરિફવૉરના કારણે મોંઘવારીમાં અનેકગણો વધારો થવાની ચીમકી આપી છે. તેમણે દાવો કર્યો છે કે, ટ્રમ્પ સરકારના નીતિગત ફેરફારોના કારણે ફેડ રિઝર્વ પર અજાણ્યા સંકટના વાદળો છવાયા છે. આ તદ્દન નવો અને મોટો ફેરફાર છે. તેના પર કેવી રીતે નિર્ણય લેવો તે સમજાઈ રહ્યું નથી.
મોંઘવારી વધશે
જેરોમ પોવેલે શિકાગોમાં ભાષણ આપતાં કહ્યું હતું કે, ટ્રમ્પ સરકારના નીતિગત ફેરફારોએ ફેડ રિઝર્વ પર જોખમ વધાર્યું છે. ટ્રમ્પ સરકાર દ્વારા અત્યારસુધી જાહેર કરવામાં આવેલો ટેરિફ વધારો અંદાજ કરતાં અનેકગણો વધુ છે. આ મુદ્દે અનિશ્ચિતતાઓ સર્જાઈ છે. જે આર્થિક નુકસાનમાં વધારો કરે છે.
ટ્રમ્પના નિર્ણયોએ જોખમ સર્જ્યુ
પોવેલે આગળ કહ્યું કે, આ અત્યંત મૌલિક નીતિગત ફેરફાર છે. આનો કોઈ આધુનિક અનુભવ નથી। ફેડને પૂર્ણ રોજગારને પ્રોત્સાહન આપવા તેમજ મોંઘવારીને કાબૂમાં રાખવાની કામગીરી સોંપાઈ છે. પરંતુ ટ્રમ્પના ટેરિફ નિર્ણયોએ બંને લક્ષ્યો પર જોખમ ઉભુ કર્યું છે. હાલ અમેરિકાની આર્થિક સ્થિતિ સારી છે. પરંતુ ટેરિફના કારણે મોંઘવારી વધવાની સંભાવના વધી છે. અમેરિકાના અર્થતંત્રને નુકસાન પહોંચાડશે.
ચીન-અમેરિકા વચ્ચે ટ્રેડવૉર
ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટ નીતિના કારણે 70થી વધુ દેશો પર ટેરિફ લાદ્યો છે. જેનો ચીન સહિતના ઘણા દેશો જવાબ આપવા તૈયાર થતાં વિશ્વમાં ટ્રેડવૉરની ભીતિ સર્જાઈ છે. શેરબજારમાં પણ ભારે વોલેટિલિટી જોવા મળી છે. ગઈકાલે જ અમેરિકાએ ચીન પર 245 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. જેના પર શી જિનપિંગે કટાક્ષ કર્યો હતો કે, તમે અંતિમ આંકડો જણાવો. ઉલ્લેખનીય છે, ચીન હવે ટેરિફ વધારવાના મૂડમાં નથી. તે નિકાસના અન્ય વિકલ્પો અને પ્રતિબંધો પર ફોકસ કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.