અમેરિકામાં ડ્રગનો ઉપયોગ એ એક ગંભીર સમસ્યા છે અને આ કટોકટીના મૂળ ઘણા સામાજિક, આર્થિક અને વ્યક્તિગત પરિબળોમાં છે. આ મહામારી માટે ઘણા પરિબળો જવાબદાર હોવા છતાં એક પરિવાર દ્વારા શરૂ કરાયેલા ડ્રગનો વેપાર અને તેની પછીની પ્રવૃત્તિઓ આ સંકટને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કહાની એક એવા પરિવારની છે જેઓ પોતાના અંગત લાભ માટે લોકોને ડ્રગ્સની લત લગાડી હતી.
વર્ષ 2022માં અમેરિકામાં ડ્રગ્સના ઓવરડોઝને કારણે એક લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. વિશ્વના સૌથી શક્તિશાળી દેશની આ હાલત માટે ‘સેકલર’ પરિવારને જવાબદાર માનવામાં આવે છે. આ પરિવાર Purdue ફાર્માસ્યુટિકલ કંપનીની માલિકી ધરાવતો હતો, જેની દવાઓએ અમેરિકામાં લોકોને ડ્રગ્સના વ્યસની બનાવ્યા હતા. અમેરિકાને ડ્રગ સંકટમાં ધકેલી દીધા બાદ કંપનીએ 2019માં પોતાને નાદાર જાહેર કરી હતી.
અમેરિકામાં જ્યારે દુખાવાની દવા બની ગઈ નશાની લત
1990ની વાત છે. અમેરિકન ડોક્ટરોએ સ્વીકાર્યું કે ત્યાંના લોકોને શરીરના દુખાવાની ગંભીર સમસ્યા છે. તેનાથી રાહત મેળવવા માટે કોઈક ઉપાય શોધવો જોઈએ. આ પછી અમેરિકામાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ વચ્ચે દુખાવાની દવાઓ બનાવવાની સ્પર્ધા થઈ. આમાં પરડ્યુ નામની કંપની મોખરે આવી. આ દવા બનાવવામાં ડો. રિચાર્ડ સેકલરે મહત્વની ભૂમિકા ભજવી હતી. તે આ કંપનીના માલિકોમાંનો એક હતા. તેમની કંપની દ્વારા બનાવવામાં આવેલી દવાનું નામ OxyContin હતું.
OxyContin દવાનું ઉત્પાદન કર્યા પછી આ કંપનીએ જૂન 1993થી એપ્રિલ 1994 દરમિયાન ઓક્સીકોન્ટિનની ટ્રાયલ હાથ ધરી હતી. આ ટ્રાયલમાં ઘૂંટણ અને સાંધાના દુખાવાથી પીડાતા 133 વૃદ્ધો પર કરવામાં આવ્યો હતો. તેમાંથી માત્ર 63 લોકો જ આ ટ્રાયલ પૂર્ણ કરી શક્યા. તેમાંથી પણ 82% લોકોને વિવિધ આડઅસર થઈ. તેમ છતાં જોખમને અવગણીને કંપનીએ કહ્યું કે આ દવા લાંબા સમય સુધી દુખાવો દૂર કરવામાં સક્ષમ છે.
આ પછી કંપનીની માર્કેટિંગ ટીમે 500 ડોક્ટરો સાથે લોકોમાં દવા લેવા માટે બેઠક યોજી હતી. આમાંથી 76% ડોકટરો દવાનો ઉપયોગ કરવા સંમત થયા. આ પછી આ દવા બજારમાં ઉતારવામાં આવી. મીડિયા રિપોર્ટ અનુસાર રિચર્ડ સેકલરે ડ્રગના પ્રચાર માટે મોટી પાર્ટીઓનું આયોજન કર્યું હતું. દરમિયાન, કંપનીએ જિનીવાના એક પ્રખ્યાત ડૉક્ટર પિયર ડેરને પીડાને દૂર કરવાના અભિયાન સાથે જોડ્યું.
પિયર ડેરે કંપનીના આ અભિયાનની પ્રશંસા કરી, પરંતુ સાથે જ તેણે આ દવાને આદત તરીકે લેવાનો ડર પણ વ્યક્ત કર્યો. જોકે કંપનીએ આ વાતની અવગણના કરી હતી. પરિણામ એ આવ્યું કે OxyContin બજારમાં આવતાની સાથે જ સારી રીતે વેચાવા લાગી. જેના કારણે કંપનીએ માત્ર 8 મહિનામાં એક વર્ષનો સેલ્સ ટાર્ગેટ પૂરો કર્યો હતો.
જ્યારે આ દવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો લોકો હેરોઈન લેવા લાગ્યા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓક્સીકોન્ટિન દવા બજારમાં આવતાની સાથે જ દર્દથી પીડિત લોકોએ ઝડપથી તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું. ધીમે-ધીમે અન્ય ફાર્મા કંપનીઓએ પણ દુખાવાની દવાઓ બનાવવાના ધંધામાં ઝંપલાવવાનું શરૂ કર્યું. આનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે માત્ર 2012માં જ અમેરિકન ડોકટરોએ 25 કરોડથી વધુ પેઇન પેશન્ટ્સને ઓક્સીકોન્ટિન લખી આપી હતી.
ત્યારે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર કીથ હમ્ફ્રીઝે કહ્યું હતું કે આ દવા પીડાને દૂર કરશે તેની કોઈ ગેરેંટી નથી, પરંતુ મનુષ્ય ચોક્કસપણે તેની આદત પાડી શકે છે. અને આવું જ થયું થોડા સમય પછી અમેરિકામાં ઘણા લોકોને આ દવા લેવાની આદત પડી ગઈ.
જ્યારે આ દવાના ઓવરડોઝને કારણે ઘણા લોકોના મોત થવા લાગ્યા ત્યારે સરકારે 2013માં તેના પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો હતો. 2015માં અમેરિકામાં ડ્રગના ઓવરડોઝને કારણે રેકોર્ડ 52 હજાર લોકોના મોત થયા હતા. આ આંકડો રોડ અકસ્માતો અને સામૂહિક ગોળીબારના કારણે થયેલા મોત કરતાં ઘણો વધારે હતો.
2017માં ડ્રગ્સને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 70 હજારે પહોંચી ગઈ હતી. ત્યારે એવું માનવામાં આવતું હતું કે અમેરિકામાં ડ્રગનું વ્યસન મહામારી બની ગયું છે. તેને ઓપિયોઇડ મહામારી નામ આપવામાં આવ્યું હતું.
તેમ છતાં જે લોકો ઓક્સીકોન્ટિનના વ્યસની બની ગયા હતા તેઓ છૂપી રીતે તેનો ઉપયોગ કરતા હતા. જ્યારે લોકોને આ દવા મળવાનું બંધ થઈ ગયું, ત્યારે આ લોકોઅએ તેના બદલે અફીણ, હેરોઈન અને ખતરનાક દવા ફેન્ટાનાઈલનો ઉપયોગ શરૂ કર્યો. આ રીતે અમેરિકામાં એક પેઢીને સંપૂર્ણપણે ડ્રગ્સની લત લાગી ગઈ.
આ મહામારીમાં સેકલર પરિવારની ભૂમિકા
અમેરિકામાં ઓપીયોઇડ મહામારી માટે સેકલર પરિવારને જવાબદાર ઠેરવવા પાછળનું પ્રથમ મુખ્ય કારણ એ છે કે સેકલર પરિવારના લોકો જ પરડ્યુ ફાર્મા કંપની ચલાવતા હતા જે દવા ઓક્સીકોન્ટિનનું ઉત્પાદન કરતી હતી. પરિવારના ઘણા સભ્યો 2018 સુધી કંપનીના બોર્ડ મેમ્બર હતા, તેઓએ પેઈન કિલરના નામે નશીલા દવાઓ વેચીને મોટો નફો મેળવ્યો હતો.
પરડ્યુ ફાર્મા સાથે સંકળાયેલી એક કંપની પર 2007માં છેતરપિંડીનો આરોપ લાગ્યો હતો. જેના કારણે તેને 50 હજાર કરોડ રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો. ત્યાર બાદ અમેરિકાના 23 રાજ્યોમાં સેકલર પરિવારની પરડ્યુ ફાર્મા સામે જૂઠું બોલવા અને દવાનું સત્ય છુપાવવા બદલ 2300 કેસ નોંધાયા હતા. 2019માં સેકલર પરિવારે કંપનીને નાદાર જાહેર કરી હતી.
2020માં યુએસ કોર્ટે પરડ્યુ ફાર્માને તેની માર્કેટિંગ વ્યૂહરચના માટે દોષિત ઠેરવી. કોર્ટે કહ્યું કે કંપનીએ એ હકીકત છુપાવી હતી કે લોકોને આ દવાની લત લાગી શકે છે. જેના કારણે લોકોએ અજાણતા દવાનો ઉપયોગ કર્યો અને તેની કિંમત તેમને જીવ ગુમાવીને ચૂકવવી પડી છે.
અમેરિકાના વિવિધ રાજ્યોની અદાલતોએ કંપનીને પીડિતોને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. કંપનીએ અમુક વળતર પણ ચૂકવ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર, સેકલર પરિવારે ઓપિયોઈડ મહામારી માટે દોષી ઠેરવ્યા બાદ પરડ્યુ ફાર્માની માલિકી છોડી દીધી હતી.
આ પરિવારના કારણે ફેલાયેલ ડ્રગ્સની લતે અમેરિકન સમાજ પર ઊંડી અસર પડી. ડ્રગ્સના નશાના કારણે માત્ર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ જ નહીં, પરંતુ આ સમસ્યા આર્થિક અને સામાજિક સ્થિરતાને પણ અસર કરવા લાગી. પરિવારોમાં તૂટવા લાગ્યા, ગુનાઓમાં વધારો થયો અને આરોગ્ય ખર્ચમાં પણ મોટો વધારો થયો હતો. ખાસ કરીને યુવાનોમાં ડ્રગ્સનું વ્યસન ઝડપથી ફેલાવા લાગ્યું. જેના કારણે શિક્ષણ, રોજગાર અને સામાજિક ભાગીદારી પર નકારાત્મક અસર પડી.