India-US Tarrif: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ટેરિફ વાટાઘાટો વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે ટેરિફ વાટાઘાટોના ખૂબ સારા પરિણામ આવશે. આ સાથે જ ટ્રમ્પે પીએમ મોદીને તેમના ‘સારા મિત્ર’ અને ‘સ્માર્ટ’ વ્યક્તિ ગણાવ્યા હતા. ભારત અને અન્ય દેશો દ્વારા અમેરિકન ચીજવસ્તુઓ પર લાદવામાં આવતી ડ્યુટીની ટ્રમ્પની સતત ટીકા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિની તાજેતરની ટિપ્પણી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
ટ્રમ્પે પીએમ મોદીને મહાન ગણાવ્યા, પરંતુ ટેરિફ પર જૂનું વલણ દર્શાવ્યું
અમેરિકી રાષ્ટ્રપતિએ શુક્રવારે વ્હાઇટ હાઉસમાં કહ્યું, ‘વડાપ્રધાન મોદી હાલમાં જ અહીં આવ્યા હતા અને અમે હંમેશા ખૂબ સારા મિત્રો રહ્યા છીએ. તેમજ ભારત સાથે મારા સંબંધો ખૂબ જ સારા રહ્યા છે. પરંતુ ભારત સાથે મારે એક જ સમસ્યા છે કે તે દુનિયામાં સૌથી વધી ટેરિફ લગાવતા દેશોમાંથી એક છે. હું માનું છું કે ભારત કદાચ તેના ટેરિફને નોંધપાત્ર રીતે ઘટાડવા જઈ રહ્યું છે, પરંતુ 2જી એપ્રિલે અમે તેમની પાસેથી તે જ ટેરિફ વસૂલ કરીશું જે તેઓ અમારી પાસેથી ચાર્જ કરે છે.’ અન્ય એક નિવેદનમાં ટ્રમ્પે ભારતને વેપાર કરવા માટે મુશ્કેલ સ્થળ ગણાવ્યું હતું.
ટેરિફ અંગે બંને દેશો વચ્ચે વાતચીત
બંને દેશોએ પ્રારંભિક વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા અને ટેરિફ અંગેના તેમના સ્ટેન્ડઓફને 2 એપ્રિલની સમયમર્યાદા નજીક આવતાં ઉકેલવા માટે વાટાઘાટો શરૂ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતે સોદાના પ્રથમ તબક્કામાં $23 બિલિયનની આયાત પર ટેરિફ કટની ઓફર કરી છે. બદામ અને ક્રેનબેરી જેવા અમેરિકન કૃષિ ઉત્પાદનો પર પણ છૂટ આપવામાં આવી છે.
નવા ચાર્જ 2 એપ્રિલથી લાગુ થશે
જણાવી દઈએ કે પીએમ મોદીએ ફેબ્રુઆરીમાં વોશિંગ્ટન ડીસીની મુલાકાત લીધી હતી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. પીએમ મોદીની આ મુલાકાત ટ્રમ્પની બીજી ટર્મ માટે શપથ લીધાના એક મહિનાથી પણ ઓછા સમયમાં થઈ હતી.